અમદાવાદ,તા.30 : અમદાવાદ-મુંબઇ હાઇવે પર ખાનગી બસમાંથી 13.50 કરોડના સોનાની ચોરી થતા ખળભળાટ સર્જાયો છે.આ મામલામાં પાંચ શકમંદોનું પગેરૂ દબાવવામાં આવ્યું છે. અમદાવાદના સોનાના વેપારી વિજય ઠુમ્મર દ્વારા ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. ગત 19મી જાન્યુઆરીને બનેલી ઘટનાની વિગતો પ્રમાણે મુંબઇના વેપારીને રૂ.13.50 કરોડની કિંમતનું 25 કિલો સોનું આપવા માટે વેપારીનો કર્મચારી અમદાવાદથી મુંબઇ જઇ રહયો હતો.
ત્યારે બસ અંકલેશ્ચર પાસે ઉભી રહી હતી. આ દરમ્યાન ઇનોવા કારમાં ધસી આવેલા શખ્સો બસમાંથી સોનાની ચોરી કરીને નાસી ગયા હતા. અમદાવાદ સી.જી.રોડ પર હનુમતે બુલીયન નામની પેઢી ધરાવતા વિજય ઠુમરે નોંધાવેલી ફરીયાદ મુજબ પોતાને ત્યાં નોકરી કરતો યશ પંડયા તથા અન્ય એકને 25 કિલો સોનું આપીને લક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં મુંબઇ મોકલ્યા હતા. ભરૂચ-અંકલેશ્ચર વચ્ચે બસ હોટલ ચૌધરી પેલેસ ખાતે ઉભી રહી ત્યારે કર્મચારી યશની સાથે રહેલા મારા મિત્રના સાળા આદિત્ય શાહે ફોન કરીને એમ કહયું હતું કે, પોતે વોશરૂમ ગયો ત્યારે યશ પંડયા સોનુ લઇને ઇનોવા કારમાં નાસી ગયો છે. પોતે યશને તુર્ત ફોન કર્યો હતો.
પરંતુ તે બંધ મળ્યો હતો. આ તકે યશના પિતાને ફોન કરીને વિગત જણાવી હતી.આ દરમ્યાન તેઓ રૂબરૂ આવતા હતા. તપાસ કરતા તેઓને એમ જાણવા મળ્યું હતું કે, યશ તેનો મિત્ર નિકેત આચાર્ય તથા અન્ય બે-ત્રણ યુવકો ઇનોવામાં દિલ્હી તરફ જઇ રહયા છે.યશનો સંપર્ક થયા બાદ સોનું પરત કરાવવાની બાંહેધરી આપી હતી. તેઓ જુના પરિચિત હતા એટલે વિશ્ચસ મુકીને પોલીસ ફરીયાદ કરવાનુ ટાળ્યું હતું. છતા 23મીએ પોલીસને અરજી કરી જ હતી.
અરજીના આધારે પોલીસ તપાસમાં નીકેત ઉર્ફે ચિન્ટુ કમલેશ આચાર્યહએ કર્મચારી યશ પંડયા સાથે કાવતરૂ રચ્યું હતું. અને બસ અંકલેશ્ચર પાસે ઉભી રહી ત્યારે પુર્વ યોજીત કાવતરા મુજબ સોનું લઇને નાસી ગયા હતા. આ બે સિવાઇ મોઇન, રાજેશ ઝા અને નિકેત આચાર્યનો સાળો પણ સાથે હોવાનું બહાર આવ્યું હતું. આ ફરીયાદના આધારે પોલીસે પાંચેય શખ્સનું પગેરૂ દબાવીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.