ગીરના જંગલમાંથી સિંહોને ‘કુનો’ લઈ જવાનો વિચાર અયોગ્ય

30 March 2023 02:33 PM
Ahmedabad Gujarat
  • ગીરના જંગલમાંથી સિંહોને ‘કુનો’ લઈ જવાનો વિચાર અયોગ્ય

નેશનલ પાર્કનો વિસ્તાર ગીર કરતા અડધો: 80 હજાર હરણ છે: નવી સમસ્યા ઉભી થવા નિષ્ણાંતોનો મત

અમદાવાદ તા.30
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને વસાવ્યા બાદ સરકાર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટિએ ગીર નેશનલ પાર્કમાંથી એશિયાટીક સિંહોના સ્થળાંતરની દરખાસ્તની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે અને નિષ્ણાત લોકોની સલાહના આધારે છ મહિના બાદ તે અંગેનો રિપોર્ટ સુપરત કરશે. જોકે, વન્ય સૃષ્ટિના નિષ્ણાતો અને પર્યાવરણવાદીઓનું સ્પષ્ટ માનવું છે કે, ગીરના જંગલોમાંથી સિંહોને કુનો નેશનલ પાર્કમાં સ્થળાંતર કરવા જોઈએ નહીં.

નિવૃત ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર ઉદય વોરાએ કહ્યું હતું કે, ગીર અભ્યારણ્યની તુલનાએ કુનો નેશનલ પાર્કનો વિસ્તાર તદ્દન અલગ છે. ગીરના જંગલોમાં કરોંદાના વૃક્ષો આવેલા છે, જેની નીચે સિંહો આરામ કરતા હોય છે અને સિંહણ તેના બચ્ચાને જન્મ આપતી હોય છે. કુનો નેશનલ પાર્કમાં આવા વૃક્ષો નથી અને હવે તેને વાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

તદઉપરાંત જંગલમાં કયારેય સિંહ અને વાઘ ભેગા રહી શકે નહીં. બીજુ કે કુનો નેશનલ પાર્કમાં નોંધપાત્ર સંખ્યામાં રીંછ પણ રહે છે જયારે ગીરના જંગલમાં એક પણ રીંછ રહેતું નથી. આ તમામ બાબતો સિંહોની વસતી ઉપર વિપરીત અસર કરી શકે છે. ગીરના જંગલમાંથી સિંહોનું કુનો નેશનલ પાર્કમાં સ્થળાંતર કરવાનું જેટલું દેખાય છે તેટલું સરળ નથી એમ વોરાએ કહ્યું હતું.

ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે ઉભું કરવામાં આવેલું આંતર માળખું સર્વશ્રેષ્ઠ છે જેથી પ્રાણીઓમાં રોગચાળો ફાટી નીકળવાની શકયતા નહિવત રહે છે. વન્યસૃષ્ટિના ન્ય નિષ્ણાત અને જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડયાએ કહ્યું હતું કે, ગીરના જંગલોમાં સિંહોના આહાર માટે ખૂબ મોટી સંખ્યામાં તૃણાહારી પ્રાણીઓ છે જયારે તેની તુલનાએ કુનો નેશનલ પાર્કમાં આ પ્રકારના પ્રાણીઓની સંખ્યા ખુબ ઓછી છે. ગીર અભ્યારણ્યમાં ટપકાંવાળા 80,000 હરણ રહે છે. જયારે કુનો નેશનલ પાર્કમાં પ્રતિ એક કિલોમીટરના વિસ્તારમાં 20 જેટલા ચિતલ જોવા મળે છે.

સિંહ અને વાઘ એ મોટા જમીન વિસ્તારમાં શિકાર કરતાં પ્રાણીઓ છે, તેથી તેઓને સાથે વસાવવા ખૂબ મોટો વિસ્તાર ધરાવતા જંગલની જરૂર પડે. ગીરનું જંગલ 1460 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે જેની તુલનાએ કુનોનું જંગલ ફકત 750 ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે. આ સમસ્યાના કારણે કુનો પાર્કમાં રહેતા ચિત્તા જંગલ છોડી માનવ વસતિ તરફ દોડી જશે જે એક મોટી સમસ્યા ઉભી કરશે.


Related News

Advertisement
Advertisement