◙ કોઠારીયા રોડની સાગર સોસાયટીમાં આવેલી યોગેશ્વર ડેરીમાં ફૂડ તંત્ર ત્રાટકયું : પરત આવતી મીઠાઇ પ્લાસ્ટીકમાં પેક કરી ફ્રિઝરમાં રખાતી હતી : કચરા સાથે ગાર્બેજ સ્ટેશનમાં વાસી માલ ફેંકી દેવાયો
રાજકોટ, તા. 30
મ્યુનિ. કોર્પોરેશનના છેલ્લા જનરલ બોર્ડમાં જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા ખાણીપીણીના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવા મેયર અને કમિશ્નરે આપેલી સૂચનાના પગલે પૂરો આરોગ્ય વિભાગ દોડતો થયો છે. રામનવમીના આગલા દિવસે ગઇકાલે બાતમીના આધારે આરોગ્ય અધિકારી સહિતની ટીમે કોઠારીયા રોડના મીઠાઇ ઉત્પાદક એવા ડેરી ફાર્મમાં દરોડો પાડતા વાસી અને ફૂગવાળી મીઠાઇ વેંચવાનું મોટુ કારસ્તાન બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
ખાવા માટે તો ઠીક, વેંચાણમાં પણ ન રાખી શકાય તેવી બિનઆરોગ્યપ્રદ 650 કિલો જેટલી મીઠાઇ, શીખંડ અને માવાના જથ્થાને તાબડતોબ કચરા ગાડીમાં ભરી ગાર્બેજ સ્ટેશન ખાતે ફેંકી દેવામાં આવ્યો હતો.
આ દરોડા અંગે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઉનાળાની ઋતુને અનુલક્ષીને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, કે. એમ. રાઠોડની ટીમ સાથે કોઠારીયા રોડ પર 40 ફુટના મેઇન રોડ પર આવેલી સાગર સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દિપક ચકુભાઇ વોરાની માલિકીની પેઢીી યોગેશ્વર ડેરી ફાર્મમાં તપાસ કરતા ઉત્પાદન સ્થળે વાસી મીઠાઇ, શીખંડ અને માવાનો મોટો જથ્થો પ્લાસ્ટીકમાં બાંધેલો અને ફૂગ લાગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ ચકાસણી દરમિયાન પેઢીના કોલ્ડ રૂમમાં સંગહ કરેલ પતરાના ટીનમાં રહેલ વાસી શિખંડ 150 કિ.ગ્રા., પ્લાસ્ટિકની બેગમાં રાખેલ વાસી ફૂગવાળી પરત આવેલ મિક્સ મીઠાઇ 300 કિ.ગ્રા. તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલ મીઠાઇ બનાવવા માટેનો વાસી ફૂગવાળો મીઠો માવાનો 200 કિ.ગ્રા. જથ્થો જોવા મળતા કુલ મળી 650 કિ.ગ્રા. અખાધ્ય જથ્થો માનવ આહાર માટે હાનિકારક ગણી તેમજ બજારમાં તેનું વેચાણ ન થાય તે હેતુથી સોલીડ વેસ્ટ વિભાગની ટીપર વાનમાં ઠલવી દેવાયો હતો. બાદમાં ગાર્બેજ સ્ટેશન ખાતે આ અખાધ્ય જથ્થાનો નાશ કરાયાનું આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.
આ પેઢીના માલિકને સંગ્રહ સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તો આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અંતર્ગત કોઠારીયા રોડના આ યોગેશ્વર ડેરી ફાર્મમાંથી લુઝ કેસર શીખંડ અને લુઝ મેંગો બરફીના નમુના પણ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
ઉનાળાની સિઝન શરૂ થઇ છે અને કયારેય ન અનુભવાઇ હોય તેવી ત્રેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે ત્યારે ખોરાકજન્ય રોગચાળો ફેલાતો રોકવા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યો છે. તેમાં બાતમીના આધારે કોઠારીયા રોડની ડેરીમાં કરાયેલા ચેકીંગમાં આ પ્રકારે સ્ટોરેજ થયેલો અને રીયુઝમાં લેવાતો મીઠાઇ અને શીખંડનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેનો સીધો ડમ્પીંગ યાર્ડમાં નાશ કરાવતા અધિકારીઓની ટીમ જોવા મળે છે.
‘વધેલા’ માલને નવી મીઠાઇમાં ભેળવી દેવાનો જોખમી ધંધો!
વાસી મીઠાઇ પધરાવવા કેટરર્સ સાથે પણ સસ્તી સાંઠગાંઠ
શહેરમાં રોજ લગ્ન સહિતના હજારો પ્રસંગમાં ટનબંધ મીઠાઇનો ઉપયોગ થતો હોય છે. આવા પ્રસંગોમાંથી પરત આવતી મીઠાઇનો રીયુઝ કરવામાં આવી રહ્યાની માહિતી ફરી આરોગ્ય વિભાગને મળી છે.
લગ્નગાળામાં સોલીડ અને લીકવીડ રૂપમાં રહેલી મીઠાઇનો ખુબ વપરાશ થાય છે. કેટરર્સ કે છુટક રસોડા રાખતા ધંધાર્થીઓ અમુક ડેરીઓમાંથી જથ્થાબંધ માલ ઉપાડે છે. અમુક જગ્યાએ વધેલી મીઠાઇ પરત રાખવાની શરતે તેવા સસ્તા ભાવ પણ નકકી કરવામાં આવે છે.
વધેલી મીઠાઇ રાત્રે પરત જાય એટલે બીજા દિવસે બનતી મીઠાઇમાં મીક્ષ કરી દેવામાં આવે છે. બાદમાં બીજા દિવસે આ તમામ માલ ફરી વેંચાણમાં મૂકાઇ છે. આ રીતે વાસી મીઠાઇ લોકોના પેટમાં પધરાવવાની સાંઠગાંઠ ચાલતી હોય આવા સ્થળોએ મોટી ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે.
આવી મીઠાઇ ખાવ એટલે ફૂડ પોઇઝન થવાની પાક્કી ગેરેંટી
આરોગ્ય વિભાગ ગોરખધંધા પકડવા બાતમીદારો ગોઠવ્યા
મહાપાલિકાએ પકડેલો વાસી મીઠાઇનો જથ્થો આરોગ્યની દ્રષ્ટિએ એટલો જોખમી અને ખતરનાક છે કે તે આરોગ્યા બાદ ફૂડ પોઇઝન થવાનો પૂરેપૂરો ખતરો રહે છે. આ રેડ પાડનાર આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ કહ્યું હતું કે રીયુઝ થઇ શકે તે રીતે પ્લાસ્ટીક બેગમાં ફૂગવાળી મીઠાઇ દેખાઇ હતી. તે ખાવાથી ઝાડા-ઉલ્ટી થઇ શકે છે. બાળકો અને વડીલો ઉપર તો વધુ જોખમ થાય છે. શહેરમાં કઇ કઇ જગ્યાએ આવી રીતે મીઠાઇનો ધંધો થાય છે તે અંગે માહિતી મેળવાઇ રહી છે. અમુક વિસ્તારમાં ખાનગી ચેકીંગ પણ કરાઇ રહ્યું છે. ઉપરોકત રેડ પણ ખાસ બાતમી મળ્યા બાદ પાડવામાં આવી હતી. શહેરમાં કોઇ જગ્યાએ આ પ્રકારે આરોગ્ય સાથે ચેડા ચાલવા દેવામાં નહીં આવે.
‘બિલશન’ મીનરલ વોટરના નમુના પણ લેતો ફૂડ વિભાગ
મનપા તંત્રએ મીનરલ વોટરના પરીક્ષણ ગરમીની શરૂઆતના દિવસોમાં ચાલુ રાખ્યા છે. ગઇકાલે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ આવેલા 9 સમ્રાટ ઇન્ડ. એરીયામાં ચેકીંગ કરાયું હતું. કનેરીયા ઓઇલ પાસે આવેલ બિલશન બેવરેજીસમાં તપાસ કરીને બિલશન બ્રાન્ડ મીનરલ વોટરનો નમુનો લેવાયો હતો. આ પાણી શુધ્ધતા સહિતના પરીક્ષણ માટે લેબોરેટરીમાં ફૂડ વિભાગે મોકલ્યું છે.
રામનવમીના આગલા દિવસે આવું પાપ?
ઉકરડામાં ફેંકાયેલી આ મીઠાઇ તમારા પેટમાં જવાની હતી!
મનપાની આરોગ્ય શાખાએ ગઇકાલે કોઠારીયા રોડની ડેરીમાંથી વાસી, ફુગ ચડેલી મીઠાઇનો મોટો જથ્થો પકડીને સીધો ગાર્બેજ (કચરા) સ્ટેશન ખાતે પહોંચાડીને નાશ કર્યો હતો. આ સ્થળે દેખાતી મીઠાઇ અને કચરામાં કોઇ ફર્ક દેખાતો નથી. આરોગ્ય વિભાગના મતે આ મીઠાઇ ખાવાથી સીધુ ફૂડ પોઇઝન થઇ શકે છે. તંત્રએ આજે તો આટલો જથ્થો લોકોના પેટમાં જતો અટકાવ્યો છે. પરંતુ શહેરમાં ઠેકઠેકાણે અને જથ્થાબંધ રીતે આવી મીઠાઇ વેંચાતી હોય, જાહેર આરોગ્યના હિતમાં તંત્ર મોટી ડ્રાઇવ ચાલુ રાખે તેવી ખુદ તંત્રવાહકોની પણ લાગણી છે.