રાજકોટ, તા. 30 : દેશભરમાં ‘આપ’ દ્વારા 11 ભાષાઓમાં ‘મોદી હટાવો દેશ બચાવો’નાં પોસ્ટરો લગાવી વિરોધ પ્રદર્શન થનાર છે. ત્યારે અમદાવાદ અને બનાસકાંઠાનાં ડિસામાં એલીવેટેડ બ્રિજ ઉપર ‘આપ’ પાર્ટીએ ‘મોદી હટાવો દેશ બચાવો’નાં પોસ્ટરો લગાવતા તાત્કાલીક આ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીનાં સમયે આમ આદમી પાર્ટીનાં માણસોએ ડિસામાં એલીવેટેડ બ્રીજ ઉપર અલગ અલગ જગ્યાએ અંદાજે 10થી પણ વધુ વડાપ્રધાન મોદી વિરૂધ્ધનાં પોસ્ટરો લગાવ્યા હતા. આ અંગે વ્હેલી સવારે જાણ થતા તાબડતોબ આ પોસ્ટરો હટાવી દેવાયા હતા.
મળતી વધુ વિગતો અનુસાર ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ ચાર રસ્તા, માર્કેટ યાર્ડ ત્રણ રસ્તા ઉપર પોસ્ટરો લાગ્યાની માહિતી મળતા તેને હટાવી દેવાયા હતા. ઉપરાંત ગત રાત્રીનાં અમદાવાદનાં નોબલનગર, સરદારનગર, વટવા, મણિનગર, ઇન્દીરા બ્રીજ સહિતના વિસ્તારોમાં પણ મોદી વિરોધી પોસ્ટરો ‘આપ’ પાર્ટીએ લગાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેશભરમાં 11 ભાષામાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યા
દિલ્હી અને ગુજરાત બાદ દેશના અનેક રાજયોમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યા છે. કુલ 11 ભાષામાં આ પ્રકારના પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે અને તે નાના નાના ગામમાં પણ લાગેલા જોવા મળ્યા હતા. દિલ્હીમાં પોલીસે આ પ્રકારના પોસ્ટર અગાઉ ફાડી નાખ્યા હતા.