♦ સાબરકાંઠાના વડાલીમાં પણ તંગદીલી સર્જાતા શોભાયાત્રા રદ કરવી પડી
વડોદરા,તા.30
રામનવમીનાં આજના પવિત્ર દિવસે વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાને પગલે બે જુથો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેને પગલે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો.આ સિવાય સાબરકાંઠાના વડાલીમાં તંત્ર માહોલને પગલે રામનવમીની શોભાયાત્રા મોકુફ રાખી દેવામાં આવી હતી.
દેશભરમાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તેવા સમયે આજે વડોદરામાં ભગવાન-શ્રીરામની શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો થતા બે જુથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ તકે મામલો વધુ તંગ બનતા વધારાનો સુરક્ષા કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરના ફતેપુરા ગરનાળા વિસ્તારની પોલીસ ચોકી પાસે જ બે જુથો સામસામા આવી ગયા હતા. રામનવમી શોભાયાત્રા દ્રમ્યાન પથ્થરમારો થયાને પગલે માહોલ તંગ બન્યો હતો અને જુથ અથડામણ થઈ હતી. અથડામણ દરમ્યાન ભગવાન રામની મુર્તિને ખંડીત કરવાનો પ્રયાસ પણ થયાની ચર્ચા હતી.
પોલીસના સુત્રોએ કહ્યું કે, ભગવાન શ્રીરામની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને અગાઉથી ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો જ હતો.બે જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો વધુ બીચકયો હતો.. હાલત વધુ ન વણસે અને બાખડતા જુથોને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ખડકી દેવામાં આવ્યા હતા. પરિસ્થિતિ કાબુમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગત વર્ષે પણ રાજયમાં પાટણ જેવા ભાગોમાં રામનવમીએ તોફાન થયા હતા.આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ બંદોબસ્તની સુચના આપવામાં આવી હતી. છતા વડોદરામાં અથડામણથી સુરક્ષા તંત્ર સ્તબ્ધ બન્યુ છે.
વડોદરા ઉપરાંત સાબરકાંઠાના વડાલીમાં પણ તંગદીલીને પગલે રામનવમીની શોભાયાત્રા મોકુફ રાખી દેવામાં આવી હતી. બે દિવસ પૂર્વે ગૌમાંસ પકડાયુ હતું અને તેનું ટેન્સન સર્જાતા શોભાયાત્રા મોકુફ રખાઈ હતી.