લંડન (બ્રિટન) તા.30
મોદી સરનેમની માનહાનીના કેસમાં બે વર્ષની સજા પામેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લેતી, હવેબીજા મોદીએ રાહુલને વિદેશની કોર્ટમાં ઘસડવાની ધમકી આપી છે અને આ બીજા મોદી છે. આઈપીએલના સંસ્થાપક અને હાલ લંડનમાં રહેતા ભાગેડુ લલિત મોદી!
ટવીટર પર એક લાંબી ટવીટર શૃંખલામાં લલિત મોદીએ સવાલ કર્યો હતો કે રાહુલે મને કયા આધારે ભાગેડુ કહ્યો છે. તેમણે ટવીટમાં લખ્યું હતું કે મને કયારેય પણ દોષી નથી ઠેરવાયો, એટલે હું તો સામાન્ય નાગરિક છું.
લલિત મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી સરનેમના વિવાદમાં સંસદ સભ્યપદ ગુમાવનાર રાહુલને બ્રિટીશની અદાલતમાં ઘસેડી જઈશ. લલિત મોદીએ રાહુલે તેમને ‘ભાગેડુ’ કહેતા તેની સામે વાંધો દર્શાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લલિત મોદી મની લોન્ડ્રીંગ કેસમાં ભાગેડુ જાહેર થતા રાહુલે તેને ભાગેડુ કહ્યો હતો. જયારે લલિત મોદીએ પોતાનો બચાવ કર્યો હતો કે તે દોષી ઠર્યો નથી તો ભાગેડુ કેવી રીતે! હું સામાન્ય નાગરિક છું. લલિત મોદીએ ભારતના વિપક્ષો પર બદલાની ભાવનાનો આક્ષેપ લગાવ્યો હતો.