આંગળી આપી તો બોચી પકડી લીધી તે આનું નામ ! ડૉ.દેકીવાડિયા હોસ્પિટલ બિલ્ડિંગના પાર્કિંગ પર ચા વેચનારાએ કરી લીધા કબ્જો

30 March 2023 05:27 PM
Rajkot Crime
  • આંગળી આપી તો બોચી પકડી લીધી તે આનું નામ ! ડૉ.દેકીવાડિયા હોસ્પિટલ બિલ્ડિંગના પાર્કિંગ પર ચા વેચનારાએ કરી લીધા કબ્જો

બિલ્ડિંગમાં ડિલક્સ પાન નામની દુકાન બરાબર ચાલતી ન હોવાથી તેણે ભાગમાં એક શખ્સ સાથે ચાનો ધંધો શરૂ કર્યો: પહેલાં નાનું ટેબલ રાખીને ચા વેચ્યા બાદ ધીમે-ધીમે પાર્કિંગની જગ્યા પર દબાણ કરી લીધું જેના પરિણામે અત્યારે બિલ્ડિંગમાં ઑફિસ ધરાવતાં માલિકોએ વાહન પાર્ક કરવા માટે આમતેમ ભટકવું પડે છે: પોલીસ કમિશનરને કરાયેલી અરજી

રાજકોટ, તા.30
કેનાલ રોડ ઉપર આવેલી ડૉ.દેકીવાડિયા હોસ્પિટલવાળા બિલ્ડિંગના પાર્કિંગ ઉપર એક ચા વેચતાં શખ્સે કબજો કરી લીધાની રાવ બિલ્ડિંગના ઑફિસધારકોએ પોલીસ કમિશનરને કરતાં ચકચાર મચી જવા પામી છે.


આ અંગે કરવામાં આવેલી રજૂઆતમાં ઑફિસ ધારકોએ કહ્યું છે કે ડૉ.દેકીવાડિયા હોસ્પિટલ બિલ્ડિંગના બહારના ભાગે વાહનોનું પાર્કિંગ આવેલું છે તે બિલ્ડિંગમાં થોડા સમયથી રેડિયો ઈલેક્ટ્રોનિકની બાજુમાં કોઈ માથાભારે શખ્સે ડિલક્સ પાનના નામથી ધંધો શરૂ કર્યો છે. જો કે તેનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી કોઈ ગુંડા જેવા શખ્સે તેની દુકાન આગળ એક પાટીયું રાખી ચા વેચવાનો ધંધો ભાગીદારીમાં શરૂ કર્યો છે. થોડા દિવસ બાદ ચાનો ધંધો કરનારા શખ્સે નાનું ટેબલ રાખી ચા બનાવવાનું શરૂ કર્યું છે. આ પછી પંદર દિવસ બાદ રોડ તરફ આગળનો સાતેક ફૂટ જેટલો ભાગ રોકી મોટું રાખી દીધું હતું. એકંદરે ચા વેચનારો શખ્સ ધીમે ધીમે જગ્યા વધારતો જાય છે.


ઉપરોક્ત બિલ્ડિંગમાં હોસ્પિટલ, લેબોરેટરી, હાર્ડવેર, ઈલેક્ટ્રોનિક તેમજ સી.એ. સહિતના ધંધાર્થીઓ શાંથિી વેપાર કરતા હોય અને પોતાના 100થી 150 વાહનો પાર્ક કરતા હોય ત્યાં આ માથાભારે શખ્સ ચા વેચતો હોવાને કારણે અવાર-નવાર વાહન પાર્કિંગ માટે ઝઘડાઓ થઈ રહ્યા છે. બિલ્ડિંગમાં ઑફિસ ધરાવતાં લોકોના વાહનો વર્ષોથી જ્યાં પાર્ક થાય છે તે જગ્યામાં આ શખ્સે ચા વેચવાનો ધંધો યથાવત રાખવા માટે વાહનો પાર્ક કરવા દેતો નથી તેમજ આજુ બાજુ અન્ય કોઈ વાહનો રાખવાની જગ્યા ન હોય ધંધાર્થીઓ, હોસ્પિટલ-લેબોરેટરીમાં આવતા વાહનો, એમ્બ્યુલન્સ આવવા સમયે અત્યંત ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે તેમજ પાણી, ચા, કપ વગેરે ઢોળાતું હોવાથી ગંદકી ખૂબ જ થઈ રહી છે.


આ સમસ્યા દિવસેને દિવસે વધી રહી હોવાને કારણે ઑફિસ ધારકોએ સામૂહિક રીતે ચા-પાનના ધંધાર્થીને રજૂઆત કરતાં તેણે લાજવાને બદલે ગાજવાનું શરૂ કરી દીધું હતું અને ધમકાવવા લાગ્યો હતો કે "તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, થાય તે કરી લ્યો, તમારા વાહનો ગમે ત્યાં રાખો, છેલ્લે કોઈ જગ્યા ના મળે તો તમારી દુકાન-ઑફિસમાં પાર્ક કરો બાકી આ પાર્કિંગવાળી જગ્યા રોકી અમે ચાનો મોટાપાયે વેપાર કરવાના છીએ એટલી વાતમાં સમજી જાઓ...અમારી લાગવગ બધી જ જગ્યાએ છે એટલે અમને કોઈ રોકી શકવાનું નથી...પાર્કિંગની જગ્યા બાબતે મગજમારી કરશો તો સારાવાટ નહીં રહે, હવે આ બધું તમારે કાયમ માટે સહન કરવું પડશે. અહીં ગંદકી પણ થશે જ એટલે જ્યારે તમે તમારી ઑફિસ સાફ કરો ત્યારે અમારી આજુબાજુમાં પણ સફાઈ કરી નાખવાની...” આ સહિતના ત્રાસથી કંટાળી બિલ્ડિંગના ઑફિસ ધારકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.


Related News

Advertisement
Advertisement