રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા ત્રણ વર્ષ માટે દિલ્હી ડેપ્યુટેશન પર જશે: ગેલમાં સિક્યુરિટી એડવાઈઝરની જવાબદારી

30 March 2023 05:32 PM
Rajkot
  • રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા ત્રણ વર્ષ માટે દિલ્હી ડેપ્યુટેશન પર જશે: ગેલમાં સિક્યુરિટી એડવાઈઝરની જવાબદારી

પાંચ જ મહિનામાં જોઈન્ટ પોલીસ કમિશનરની જગ્યા ફરી ખાલી પડશે: સરકાર દ્વારા ઑર્ડર થયા બાદ છોડશે ચાર્જ: ગેલ કંપનીની પાઈપલાઈન, કર્મચારીઓ તેમજ સાયબર સહિતની સિક્યોરિટીની જવાબદારી સંભાળશે: ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત

રાજકોટ, તા.30
રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર અને 2007ની બેચના આઈપીએસ અધિકારી સૌરભ તોલંબીયાને ત્રણ વર્ષ માટે દિલ્હી ડેપ્યુટેશન ઉપર મોકલવાનો સરકાર દ્વારા હુકમ કરવામાં આવતાં તેઓ ટૂંક સમયમાં જ પોતાનો ચાર્જ છોડનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી ગયા બાદ સૌરભ તોલંબીયા ભારતની નવમા ક્રમની સૌથી મોટી સરકારી કંપની એવી ગેલમાં સિક્યુરિટી એડવાઈઝર તરીકેની જવાબદારી નીભાવશે. આમ પાંચ જ મહિનાની અંદર રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડશે.આ અંગે સૌરભ તોલંબીયાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હજુ સુધી સરકાર દ્વારા તેમને ચાર્જ છોડવાનો હુકમ કરવામાં આવ્યો નથી.

હાલ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ રજા પર હોવાથી રાજકોટના કમિશનરનો ચાર્જ પણ તેમની પાસે છે એટલા માટે પોલીસ કમિશનર ફરજ પર હાજર થયા બાદ તેમને ચાર્જ છોડવાનો આદેશ થાય તેવી શક્યતા છે. તેઓ દિલ્હી ડેપ્યુટેશન ઉપર પ્રથમવાર જઈ રહ્યા છે તેમ જણાવી આગળ ઉમેર્યું કે ગેલ કંપનીમાં તેમને ડીઆઈજી તરીકે ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. અહીં તેઓ કંપનીના સિક્યુરિટી એડવાઈઝર તરીકે કાર્યરત રહેશે. ગેલ કંપનીની આખા દેશમાં પાઈપલાઈન બિછાવવામાં આવી છે ત્યારે તેની સિક્યોરિટી સંભાળવા ઉપરાંત કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓની સુરક્ષા તેમજ સાયબર સિક્યોરિટી સહિતની જવાબદારી તેઓ વહન કરશે.

ગેલ કંપનીની સુરક્ષા દેશની સુરક્ષા સમાન હોવાથી અહીં સિક્યુરિટી એડવાઈઝર તરીકેની જવાબદારી અત્યંત મહત્ત્વની બની રહેનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયાએ ઑક્ટોબર મહિનામાં જ રાજકોટમાં ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પોતાની કામગીરીનો પરચો પણ બતાવ્યો હતો જેના કારણે પોલીસ તંત્રમાં નવી ઉર્જાનો સંચાર જોવા મળી રહ્યો હતો. જો કે હવે તેમણે દિલ્હી ડેપ્યુટેશન ઉપર જવાનું હોવાથી જોઈન્ટ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડશે જ્યાં ટૂંક સમયમાં નવા અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે.


Related News

Advertisement
Advertisement