રાજકોટ, તા. 30
મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા આજે રજાના દિવસમાં પણ ચાલુ રહી હતી અને બપોર સુધીમાં 1.81 કરોડની આવક થતા ચાલુ નાણાંકીય વર્ષમાં કુલ થયેલી આવકનો આંકડો 317.10 કરોડ ઉપર પહોંચ્યો છે.
બાકીદારોને રાહત આપતી વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ (હપ્તા યોજના) આવતીકાલે 31 માર્ચે પૂરી થઇ રહી છે. આવા બાકીદારો આવતીકાલ સુધીમાં યોજનાનો લાભ લે અને 10 ટકા રકમ ભરી જુના વ્યાજને જાતે બ્રેક મારે તેવી તક તંત્રએ આપી છે. ચેક, રોકડ કે ઓનલાઇન પણ હપ્તા યોજનામાં રકમ ભરી શકાય છે. અત્યાર સુધીમાં 6 હજાર જેટલા બાકીદારોએ સ્કીમનો લાભ લીધો છે.
આજે સેન્ટ્રલ ઝોનમાં 10 મિલ્કત સીલ, 15 ટાંચ જપ્તી અને 1.11 કરોડની રીકવરી, વેસ્ટ ઝોનમાં 4 સીલ, 13 નોટીસ અને 35.18 લાખની રીકવરી, ઇસ્ટ ઝોનમાં 9 સીલ, 11 જપ્તી અને 34.12 લાખની રીકવરી થઇ હતી. ટેકસ શાખાએ જુદા જુદા વોર્ડમાં સીલ અને નોટીસની કાર્યવાહી કરી હતી. તેમાં વોર્ડ નં.7ના યાજ્ઞિક રોડ પર 3 અને રાજેન્દ્રપ્રસાદ રોડ પર બે મિલ્કત સીલ કરી હતી. અન્ય વોર્ડમાં સીલની કાર્યવાહી કરાતા રીકવરી પણ થયાનું ટેકસ વિભાગે જણાવ્યું હતું.