રાજકોટ તા.30
રાજસ્થાન ઉપરના સાયકલોનિક સર્કયુલેશનની અસરનાં ભાગરૂપે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉતર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી થઈ છે અને આગાહીના પગલે આજે સવારે સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ છાંટા તથા હળવો વરસાદ પણ થયો હતો. રાજકોટ શહેરમાં પણ વહેલી સવારના સમયે વરસાદી માહોલ વચ્ચે છુટાછવાયા છાંટા પડયા હતા.
દરમ્યાન મોડી સવારથી બપોરે 2-30 કલાકે આ લખાય છે ત્યાં સુધી રાજકોટમાં વાદળો અને સૂર્ય દેવતા વચ્ચે સંતાકુકડીની રમત ચાલુ રહેતા ધૂપ-છાંવ જેવું મિશ્ર વાતાવરણ રહેવા પામ્યું હતું. રાજકોટ શહેરમાં આજે સવારે 8-30 કલાકે તાપમાન 25 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું હતું. જયારે સવારે હવામાં ભેજ 73 ટકા રહ્યો હતો. અને પવનની ઝડપ 9 કી.મી. સરેરાશ રહી હતી. દરમ્યાન બપોરે 2-30 કલાકે શહેરનું તાપમાન 33 ડિગ્રી રહ્યું હતું.
અને હવામાં ભેજ 40 ટકા રહ્યો હતો. તેમજ પવનની ઝડપ 16 કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. વધુમાં હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ આજે દિવસ દરમ્યાન રાજકોટ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને ઉતર ગુજરાતનાં અમૂક ભાગોમાં વરસાદ પડવાની શકયતા છે. તેમજ આવતીકાલ તા.31નાં રોજ અમરેલી, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને દક્ષીણ ગુજરાતનાં વિવિધ ભાગોમાં પણ હળવો વરસાદ પડે તેવી શકયતા હવામાન ખાતાએ દર્શાવી છે.