નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યુનિ.માં પોલીટીકલ સાયન્સમાં ગ્રેજયુએશન કર્યુ છે તેની ડિગ્રી અંગેના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે આજે શ્રી મોદીની ડિગ્રીની માહિતી આપવા ચીફ ઈન્સ્પેકશન કમિશ્નરના હુકમને રદ કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ડીગ્રીનું વર્ષ તથા અન્ય માહિતી માંગી હતી.
એક તબકકે ગુજરાત યુનિ.એ અરવિંદ કેજરીવાલને ડિગ્રીની માહિતી આપવાનો ઈન્કાર કરતા તેઓએ માહિતી કમીશન પાસે અરજી કરી માહિતીના અધિકાર હેઠળ એક નાગરિક તરીકે તેઓને ગુજરાત યુનિ.માં નરેન્દ્ર દામોદરદાસ મોદીની ડિગ્રીની માહિતી મેળવવાનો અધિકાર છે તે પ્રસ્થાપીત કરતા ચીફ ઈન્સ્પેકશન કમિશ્નરે આ માહિતી આપવા ગુજરાત યુનિને આદેશ આપ્યો હતો. જો કે યુનિ.માં દલીલ કરી હતી કે તેને નોટીસ આપ્યા વગર કે સાંભળ્યા વગર જ આ આદેશ અપાયો છે. યુનિ. વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ પણ દલીલ કરી હતી
અને રાજકીય સ્કોર કરવા જ આ પ્રમાણે ડિગ્રીની માહિતી માંગવામાં આવી હોવાની દલીલ કરી હતી અને જે માહિતી માંગવામાં આવી છે તે વ્યક્તિગત માહિતી છે તેને જાહેર હેતુ સાથે કશું લાગતું વળગતુ નથી. આ બાદ તા.9 ફેબ્રુ.ના ચુકાદો મુલત્વી રખાયો હતો. મોદીની ડિગ્રી જાહેર નહી કરવા મુદે માહિતીના અધિકારની કલમ 8(1)(આઈ)ને આગળ ધરવામાં આવી હતી અને એ પણ જણાવ્યું કે કોઈ પોતાની ફકત જિજ્ઞાસાવૃતિને સંતોષવા માટે અથવા તો બદઈરાદે આ પ્રકારની માંગણી કરી શકે નહી.
કેજરીવાલને 25000નો દંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીની માહિતી આપવાની વડાપ્રધાન કાર્યાલયને જરૂર ન હોવાનો ચુકાદો હાઇકોર્ટે આપ્યો છે અને આવી માંગ કરતી અરજી ફગાવી દેવા ઉપરાંત આવી માંગ કરવા બદલ કેજરીવાલને 25000નો દંડ પણ ફટકાર્યો છે.