બુકીઓનો બાઉન્સર: IPL માં 2050 ચોગ્ગા-1000 છગ્ગા લાગશે: 930 વિકેટ પડશે તો 122 ફિફ્ટી-8 સદી બનશે !!

31 March 2023 03:53 PM
Rajkot Saurashtra Sports
  • બુકીઓનો બાઉન્સર: IPL માં 2050 ચોગ્ગા-1000 છગ્ગા લાગશે: 930 વિકેટ પડશે તો 122 ફિફ્ટી-8 સદી બનશે !!

♦ તમામ મેચની પહેલી ઓવરના મળી કુલ 430 રન બનશે, દરેક મેચની પાવરપ્લેની છ ઓવરમાં 3500 રન બનવાનો ભાવ ખૂલ્યો: ટૂર્નામેન્ટ દરમિયાન એક ટીમનો હાઈએસ્ટ સ્કોર 247 રન તો લોએસ્ટ સ્કોર 88 રહેવાનો બુકીઓનો અંદાજ

♦ આખી ટૂર્નામેન્ટ દરમિયાન 1275 રન એકસ્ટ્રા જવાના જેમાં 680 વાઈડ, 73 નો-બોલ ફેંકાવા સહિતનો સમાવેશ: આઈપીએલમાં બે વખત હેટ્રિક થવાનો, 66 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થવાના, 147 બેટરના બોલ્ડ થવાના, 650નો કેચઆઉટ થવા સહિતના ઉપર સટ્ટો લેવાનું શરૂ

♦ એક જ મેચમાં 35 છગ્ગા-47 ચોગ્ગા લાગવાનો તો એક જ મેચમાં 36 રન એકસ્ટ્રા જશે તે સહિતના ફેન્સી જુગારનો ભાવ આપવાનું શરૂ કરી દેવાયું: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક પંટરોએ એડવાન્સમાં સટ્ટો લગાવી દીધો હોવાની ચર્ચા

રાજકોટ, તા.31
ભારતના ‘તહેવાર’ તરીકે જેની ગણતરી થાય છે તે ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ) ટૂર્નામેન્ટ શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. બે વર્ષ પછી આ ટૂર્નામેન્ટ તેના મુળ ફોર્મેટ ઉપરાંત અત્યંત નવા નિયમો સાથે રમાઈ રહી હોવા ઉપરાંત નામી-અનામી ખેલાડીઓ તેમ કૌવત બતાવવાના હોવાથી ક્રિકેટરસિકો મુકાબલા જોવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ આઈપીએલ હોય અને તેના ઉપર સટ્ટો ન રમાય તેવું બની શકે ખરું ? બિલકુલ નહીં !

ટૂર્નામેન્ટ જોવા માટે જેટલો રસ ક્રિકેટરસિકોને હોય છે તેના જેટલો જ અને કદાચ તેના કરતા પણ વધુ રસ ક્રિકેટ સટ્ટો રમાડતાં બુકીઓ અને સટ્ટો રમતા પંટરોને પડતો હોય છે. બીજી બાજુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ બુકીઓ દ્વારા ટૂર્નામેન્ટ જીતનારી ટીમના ભાવ તો ખોલી જ નાખવામાં આવ્યા છે સાથે સાથે ફેન્સી સટ્ટો મતલબ કે આખી ટૂર્નામેન્ટમાં કેટલો ચોગ્ગા લાગશે, કેટલી વિકેટ પડશે, કેટલા છગ્ગા લાગશે તે સહિતનો ભાવ પણ ખૂલી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બુકીઓના જણાવ્યા પ્રમાણે આઈપીએલની આખી ટૂર્નામેન્ટમાં 2050 ચોગ્ગા, 1000 છગ્ગા લાગશે તો 930 વિકેટ પડશે. આવી જ રીતે ટૂર્નામેન્ટ દરમિયાન 122 ફિફટી અને આઠ સદી બનશે...!!

બુકીબજારમાં જે રીતે ફેન્સી સટ્ટાના ભાવ ખોલવામાં આવ્યા છે તેના પર એક નજર કરવામાં આવે તો આખી ટૂર્નામેન્ટની તમામ મેચની માત્ર પહેલી જ ઓવરના મળીને કુલ 430 રન બનશે. આવી રીતે આખક્ષ ટૂર્નામેન્ટની તમામ મેચની છ ઓવરમાં કુલ 3500 રન, ટૂર્નામેન્ટ દરમિયાન હાઈએસ્ટ સ્કોર 247 રન, લોએસ્ટ સ્કોર 88 રન, એક વિકેટ માટે 182 રનની ભાગીદારી, એક બેટર દ્વારા બનાવવામાં આવનાર સૌથી હાઈએસ્ટ સ્કોર (એક ઈનિંગ) 134 રન, હાઈએસ્ટ વિકેટ લેનાર બોલરના ફાળે 31 વિકેટ, કુલ 2050 ચોગ્ગા, કુલ 1000 છગ્ગા, 122 ફિફટી, 8 સદી, 930 વિકેટ, 680 વાઈડ, એકસ્ટ્રાના 1275 રન, કેચઆઉટ 650, બોલ્ડ 147, એલબીડબલ્યુ 66, રનઆઉટ 64, નો-બોલ 73, હેટ્રિક બે, સૌથી વધુ વિકેટ એક મેચમાં 20, સૌથી વધુ એકસ્ટ્રા એક મેચમાં 36 રન, એક જ મેચમાં બન્ને ટીમ તરફથી સૌથી વધુ 47 ચોગ્ગા, એક ઓવરમાં 32 રન, એક જ બેચમાં સૌથી વધુ એક બોલર છ વિકેટ લેશે કે નહીં તે સહિતના ફેન્સી સટ્ટાના ભાવ ખોલવામાં આવ્યા છે. એકંદરે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના પંટરો દ્વારા આઈડીમાં આ પ્રકારના ફેન્સી જુગાર ઉપર ‘એડવાન્સ’ સટ્ટો રમવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું બુકીબજારમાંથી જાણવા મળી રહ્યું છે. બુકીઓના જણાવ્યા પ્રમાણે જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધતી જશે તેમ તેમ ફેન્સી સટ્ટાના ભાવતાલ તેમજ આંકડાઓમાં ફેરફાર થતો જશે.

સટ્ટો રમતાં પહેલાં સો વખત વિચારજો ! પોલીસે બુકી-પંટરોને પકડવા માટે કરી છે ‘ખાસ’ તૈયારી
દર વર્ષે રાજકોટ સહિત ગુજરાતમાં અબજો રૂપિયાનો સટ્ટો રમાઈ જતો હોય છે ત્યારે આ વખતે એવું ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાતમાં બાવન દિવસની અંદર 3400 કરોડથી વધુના સટ્ટા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ દરેક શહેર-જિલ્લાની પોલીસ સાબદી થઈ ગઈ છે. બીજી બાજુ રાજકોટ પોલીસ દ્વારા પણ પંટરો તેમજ બુકીઓને નાથવા માટે ‘ખાસ’ તૈયારી કરી લેવામાં આવી છે. એકંદરે રાજકોટમાં આ વખતે છાનેખૂણે બેસીને મોબાઈલ ઉપર તેમજ ‘બોબડી’ લાઈન ઉપર સટ્ટો રમનારા પંટરો તેમજ બુકીઓને શોધી શોધીને પકડવામાં આવશે તે વાતમાં બે મત નથી !

ટૂર્નામેન્ટ જીતવા માટે ગુજરાત ટાઈટન્સ ફેવરિટ: 6 રૂપિયા ભાવ: બીજા ક્રમે રાજસ્થાન તો ત્રીજા ક્રમે મુંબઈ ઈન્ડિયન્સ
બુકીબજારમાં આઈપીએલ ચેમ્પિયન થનારી ટીમોના ભાવ પણ ખોલવામાં આવ્યા છે. આ પ્રમાણે જોવા જઈએ તો આ વખતે પણ ગત ટૂર્નામેન્ટની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ જ ટ્રોફી ઉઠાવે તેવું બુકીબજાર માની રહી છે. આ પ્રમાણે તેનો ભાવ 6 રૂપિયા ખોલવામાં આવ્યો છે. આવી જ રીતે રાજસ્થાન રોયલ્સનો ભાવ સાત રૂપિયા, મુંબઈ ઈન્ડિયન્સનો ભાવ 6.80 રૂપિયા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાવ સાત રૂપિયા, દિલ્હી કેપિટલ્સનો આઠ રૂપિયા, ચેન્નાઈ સુપરકિંગ્સનો સાત રૂપિયા, લખનૌ સુપરજાયન્ટસનો ભાવ 7.50 રૂપિયા, સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાવ 9 રૂપિયા, પંજાબ કિંગ્સનો ભાવ 16 રૂપિયા અને કોલકત્તા નાઈટ રાઈડર્સનો ભાવ 14 રૂપિયા ખોલવામાં આવ્યો છે. અમુક શાણા પંટરો દ્વારા અત્યારથી જ ટૂર્નામેન્ટ જીતનારી અલગ-અલગ ટીમો ઉપર દાવ ખેલવાનું આઈડી ઉપર શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું બહાર આવી રહ્યું છે.

આજે અને આવતીકાલે આઈપીએલમાં રમાનારી મેચ

મેચ  સમય  ગ્રાઉન્ડ
ગુજરાત ટાઈટન્સ-ચેન્નાઈ સુપરકિંગ્સ સાંજે 7:30 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
પંજાબ કિંગ્સ-કોલકત્તા નાઈટ રાઈડર્સ બપોરે 3:30 મોહાલી
લખનૌ સુપર જાયન્ટસ-દિલ્હી કેપિટલ્સ સાંજે 7:30 લખનૌ

  
  


Related News

Advertisement
Advertisement