નવી દિલ્હી: દેશને આત્મનિર્ભર બનાવવાની સાથે નિકાસમાં પણ ભારતનો વૈશ્વીક હિસ્સો વધારવાના વ્યુહ સાથે આજે નવી આયાત-નિકાસ નીતિ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રના વ્યાપાર-ઉદ્યોગમંત્રી શ્રી પિયુષ ગોયલે આજે આ નીતિ જાહેર કરતા જણાવ્યું કે સરકાર 2030 સુધી બે લાખ કરોડ ડોલરથી નિકાસના ટાર્ગેટ સાથે આગળ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2021-22માં 676 બીલીયન ડોલરની નિકાસ સામે ચાલુ નાણાકીય વર્ષના અંતે 760થી770 બીલીયન ડોલરની નિકાસ થશે. સરકાર દેશમાં નવા ટાઉન ઓફ એકસપોર્ટ એકસલન્સની ઓળખ કરશે. ખાસ કરીને નવા શહેરોમાં ફરીદાબાદ, મુરાદાબાદ, મીર્ઝાપુર અને વારાણસીની પસંદગી કરવામાં આવી છે. નવી નીતિમાં લઘુ-કુટીર અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ)ને નિકાસ માટેની પ્રક્રિયાના અરજી ચાર્જમાં 50% ઘટાડો કરાયો છે અને નિકાસલક્ષી એકમો માટેની માન્યતાની લઘુતમ મર્યાદા પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
દેશમાં કવોલિટી નિકાસને વધુ મહત્વ આપવા માટે ખાસ અલગથી પ્રમોશન કાઉન્સીલ પણ રચવામાં આવશે. મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષમાં 200થી300 અબજ ડોલરની આયાત વધશે તેવો અંદાજ મુકતા જણાવ્યું કે ઉપરાંત ઈ-કોમર્સ નિકાસને પણ પ્રોત્સાહીત કરાશે. જેમાં નિકાસ ટાર્ગેટ ચુકી ગયા છે. તેઓ માટે એક વખતની માફી યોજના પણ લાવવામાં આવશે. કુરીયર સેવા મારફત નિકાસમાં પ્રતિ ખેપ નિકાસ મુલ્ય રૂા.5 લાખથી વધારી રૂા.10 લાખ કરાયુ છે.