રાજકોટ પોલીસની ક્રિકેટ ટીમનો ડંકો: રેલવેને ચાર વિકેટે હરાવી પાંચ વર્ષ બાદ સેમિફાઈનલમાં પ્રવેશ

31 March 2023 04:51 PM
Rajkot Sports
  • રાજકોટ પોલીસની ક્રિકેટ ટીમનો ડંકો: રેલવેને ચાર વિકેટે હરાવી પાંચ વર્ષ બાદ સેમિફાઈનલમાં પ્રવેશ

પુષ્પરાજ પરમારના 51 તો રાજવીરના અણનમ 85 રનની મદદથી ટીમે મેળવી જીત: બોલિંગમાં સ્નેહ ભદ્રેકા-પ્રદ્યુમનસિંહ ઝાલાનો તરખાટ: ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ-ટીમના કેપ્ટન બી.ટી.ગોહિલની ટીમ ઉપર અભિનંદનની વર્ષા: પાંચ એપ્રિલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર રમાશે મુકાબલો

રાજકોટ, તા.30
ગુનેગારોને દબોચી લેવા, આવારા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા તેમજ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે હંમેશા દોડતી રહેતી રાજકોટ પોલીસની ટીમે ડીજીપી કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ ડંકો વગાડી દીધો છે.

રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાજકોટ પોલીસ-આઈજીપી વેસ્ટર્ન રેલવે ટીમ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રાજકોટ પોલીસની ટીમે ચાર વિકેટે જીત મેળવી પાંચ વર્ષ બાદ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં રાજકોટ પોલીસ વતી બેટિંગમાં પુષ્પરાજ પરમાર અને રાજવીરે મહત્ત્વનું યોગદાન આપ્યું તો બોલિંગમાં સ્નેહ ભદ્રેકા-પ્રદ્યુમનસિંહ ઝાલાએ તરખાટ મચાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તેમજ ટીમના કેપ્ટન બી.ટી.ગોહિલની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. હવે પાંચ એપ્રિલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર સેમિફાઈનલ મુકાબલો રમાશે.

આ મેચમાં રેલવેની ટીમે ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં 42 ઓવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. રેલવે વતી ભરત રાઠોડે 59, ધર્મેન્દ્રસિંહે 55 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ઈશ્ર્વર વસાવાએ 15, દીપક શિંદેએ 15 અને જીજ્ઞેશ ચૌધરીએ 12 રન બનાવ્યા હતા. બોલિંગમાં રાજકોટ પોલીસ વતી પ્રદ્યુમનસિંહ ઝાલાએ 10 ઓવરમાં 26 રન આપી ત્રણ, સ્નેહ ભદ્રેકાએ 10 ઓવરમાં 41 રન આપી ચાર વિકેટ ખેડવી હતી. આ ઉપરાંત કેપ્ટન બી.ટી.ગોહિલે 10 ઓવરમાં 39 રન આપી એક, શૌકત ખૌરમે સાત ઓવરમાં 32 રન આપી એક અને કિશન કુગશીયાએ એક વિકેટ ખેડવી હતી.

રેલવેએ આપેલા 178 રનના લક્ષ્યાંકને રાજકોટ પોલીસે 43.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીહાંસલ કરી લીધો હતો. રાજકોટ પોલીસ વતી કેપ્ટન બી.ટી.ગોહિલે પાંચ, પુષ્પરાજસિંહ પરમારે 51, મેસુર આહિરે 18, રાજવીર મેકે 11 ચોગ્ગા, એક છગ્ગાની મદદથી 85, શૌકત ખોરમે એક, કિશન કુગશીયાએ આઠ અને કુશલ જોષીએ ચાર રન બનાવ્યા હતા.

આ સાથે જ રાજકોટ પોલીસની ટીમ પાંચ વર્ષ બાદ ડીજીપી કપના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે ત્યારે પાંચ એપ્રિલે તે આ મુકાબલો રમશે. જો કે હજુ ત્રણ ક્વાર્ટર ફાઈનલ બાકી હોવાથી રાજકોટનો મુકાબલો કોની સામે થશે તે હવે નિશ્ર્ચિત થશે.

► એસઆરપી ગ્રુપને હરાવી રાજકોટ રેન્જ પણ સેમિફાઈનલમાં

રાજકોટ સિટી પોલીસની સાથે રાજકોટ રેન્જે પણ જોરદાર દેખાવ કરીને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. રેન્જની ટીમે એસઆરપી ગ્રુપને હરાવી હતી. રાજકોટ રેન્જ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 241 રન બનાવ્યા હતા જેના જવાબમાં એસઆરપી ગ્રુપ 212 રન જ બનાવી શકતાં રાજકોટ રેન્જનો 29 રને વિજય થયો હતો. રાજકોટ રેન્જ વતી યોગજરાસિંહે 51, નિકુલસિંહ ઝાલાએ 42 અને યશપાલસિંહ પરમારે 35 રનનું યોગદાન આપ્યું હતું.


Related News

Advertisement
Advertisement