► શાહરુખ ખાનની ‘જવાન’, પ્રભાસની ‘આદિપુરુષ’, અજયની ‘મેદાન’ અને કાર્તિકની ‘સત્યપ્રેમ કી કથા’ રિલીઝ થશે: ‘આદિપુરુષ’નું રામ-લક્ષ્મણ-જાનકી’નું નવું પોસ્ટર જાહેર
મુંબઈ: જુન મહિનામાં મોટા સ્ટાર્સની ચાર બીગ બજેટ ફિલ્મો આવી રહી છે. જવાન, આદિપુરુષ, મૈદાન અને સત્યપ્રેમ કી કથાનો આ ચાર ફિલ્મમાં સમાવેશ થાય છે. પઠાણની સફળતા પછી શાહરૂખ ખાનનો કોન્ફીડન્સ સાતમા આસમાને છે. શાહરુખ ખાનની બીજી ફિલ્મ ‘જવાન’ બીજી જૂને આવી રહી છે અને ત્યારબાદ 16 જૂને પ્રભાસની આદિપુરુષ રિલીઝ થશે. 23મીએ અજય દેવગણની મૈદાન અને 29મીએ કાર્તીક કિયારાની સત્યપ્રેમ કી કતા આવશે. આ ચાર ફિલ્મોમાં બોલીવુડના રૂા.1500 કરોડ દાવ પર લાગેલા છે.
જાન્યુઆરી મહિનામાં પઠાણની રિલીઝ સાથે જ બોલીવુડના દિવસો બદલાયા હોય તેમ બોયકોટ ટ્રેન્ડ નબળો પડયો છે. ઓડીયન્સ પણ ફીલ્મો જોવા માટે થીયેટર છલકાવી રહી છે. જાન્યુઆરીની જેમ જૂન મહિનો પણ મહત્વનો છે. આ ચારેય ફીલ્મોમાં જારીતા ચહેરા છે. જોકે આદીપુરુષ અને જવાનના બજેટ સૌથી વધારે છે. આ ચારેય ફિલ્મોની રીલીઝ ડેટ એકબીજા સાથે ટકરાતી નથી પરંતુ દર અઠવાડીયે નવી ફિલ્મ રીલીઝ કરવાનો નિર્ણય કેટલાક એકસપર્ટને આશ્ચર્યજનક લાગે છે. મોટી ફીલ્મને બોકસ ઓફીસ પર સતત બે ત્રણ અઠવાડીયાનો સમય મળતો હોય છે પરંતુ ચાર ફિલ્મો આવતી હોય ત્યારે બીજા અઠવાડીયે તેમનો ટકરાવ નિશ્ચિત બને છે.
‘પઠાણ’ની જેમ કોઈ ફિલ્મ લાંબા સમય ટકી રહે તો તેની અસર સમગ્ર મહિના દરમિયાન વરતાય. વળી, જૂન મહિનામાં વેકેશન પણ પૂરું થઈ રહ્યું છે. સામાન્ય રીતે એપ્રીલ અને મે મહિનામાં વેકેશન હોય છે. બે ફિલ્મોની રીલીઝ વચ્ચે બે અઠવાડીયાનું અંતર રહ્યું હોત તો દરેકને લાભ થઈ શકત. શાહરુખ ખાનની પઠાણને મળેલા રિસ્પોન્સને જોતા જવાનને 500 કરોડનો બીઝનેસ મળવાનો અંદાજ છે એ જ રીતે અન્ય ત્રણ ફિલ્મો 150-200 કરોડની એવરેજ બીઝનેસ કરી જાય તો આરામથી 1000 કરોડનો આંક પાર થઈ શકે.
બાહુબલીની જેમ પ્રભાસની આદીપુરુષ પણ જમાવટ કરે તો 1500 કરોડનો બીઝનેસ માત્ર જૂન મહિનામાં થઈ શકે છે. આદીપુરુષના ટીઝરની મોટાપાયે ટીકા થયાબાદ મેકર્સે વીએફએકસમાં ઘણા ફેરફારો કર્યા છે. રામનવમીના દિવસે ફીલ્મનું પોસ્ટર રીલીઝ થયું છે જેમાં ભગવાન શ્રી રામના રોલમાં પ્રભાસ અને માતા જાનકીના રોલમાં ક્રિતિ સેનોન જોઈ શકાય છે. આ પોસ્ટરને મિકસ રિસ્પોન્સ મળ્યો છે. પરંતુ, ટીઝર માટે ઉભા થયેલા રોષને ઠારવાની કવાયત આ પોસ્ટરમાં જરૂર જોઈ શકાય છે.
અજય દેવગણની મૈદાન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન આધારિત છે. આ ફિલ્મમાં ફૂટબોલ ટીમ માટે જીવન સમર્પિત કરનારા કોચની સ્ટોરી જોવા મળશે. ભોલામાં એકશન બાદ અજય દેવગણનો સિરિયસ રોલ મૈદાનમાં છે. અજય દેવગણ માટે પણ આ વર્ષ સારું રહ્યું છે. ભૂલભૂલૈયા બાદ કાર્તીકના સિતારા બુલંદી પર છે. કાર્તીક કીયારાની સત્યપ્રેમ કી કથા રીલીઝ થતા પહેલા રણબીર કપૂરની તું જુઠી મેં મકકાર હિટ સાબીત થઈ છે. તેના કારણે રોમેન્ટીક ફિલ્મોના હિટ જવાના ચાન્સ વધ્યા છે. આમ, જૂન મહિનામાં આવનારી ચારેય ફિલ્મોના સફળ જવા માટેના મજબૂત પરિબળો છે ત્યારે બોકસ ઓફિસ પર કેટલી અસર થાય છે તે જોવું રહ્યું.