રાજકોટ,તા.31
રાજકોટમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી એક વિધવાને લગ્ન કરવાનું અને તેના બે સંતાનોને સાચવવાનું વચન આપી હોટલ સહિતના સ્થળોએ અવાર-નવાર દૂષ્કર્મ આચરી લગ્ન નહીં કરનાર મનપાના કર્મચારી ચેતન કાંતિભાઈ ધામેલિયા(વાંણદ)(રહે. રામપાર્ક શેરી નં.2, કોઠારીયા રોડ) સામે ફરિયાદ નોંધવામાં આવતા બી-ડીવીઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટ સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી આરોપીને પકડી પૂછપરછ શરૂ કરી છે.
પીડિતાએ પોલીસને જણાવ્યું કે,તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.તેના પતિનું પાંચેક વર્ષ પહેલા અવસાન થયુ હતું.તેઓ વીસેક વર્ષથી બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે ચારેક વર્ષ પહેલા કુવાડવા રોડ પરના વિસ્તારમાં મનપા દ્વારા દુકાનની હરરાજી હોય ત્યાં તેનો સંપર્ક મનપામાં એસ્ટેટ શાખામાં નોકરી કરતા આરોપી ચેતન ધામેલીયા સાથે થયો હતો.આ સમયે તેણે હ22ાજીમાં એક દુકાન ખરીદી હતી.
આ દરમિયાન તે આરોપીના ભરોસામાં આવી ગઈ હતી.અને તેણે આરોપીને તેના પતિ ગુજરી ગયાની બે સંતાન હોવાની અને પોતે બ્યુટી પાર્લર ચલાવતી હોવા સહિતની તમામ વાત કરી હતી.આરોપીએ પણ તેને તેની અગાઉ ચાર વખત સગાઈ તૂટી ગઈ છે અને તેના લગ્ન જેતપુરની યુવતી સાથે થયા હોય લગ્ન એક વર્ષ રહ્યા બાદ યુવતીએ તેને છૂટાછેડા આપી દીધાની વાત કરી હતી.
એટલું જ નહીં આરોપીએ તેને મારે તારી સાથે લગ્ન કરવા છે અને આપણે બંને પતિ-પત્ની તરીકે જીવન જીવશું, હું તારા બંને સંતાનોને મોટા કરીશ અને ભણાવીશ તેને પણ આપણે સાથે રાખીશું.તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો.આ સમય દરમિયાન આરોપી તેને મહાનગર પાલિકાની ઓફીસ પાસે આવેલી પર્લ હોટલમાં અવાર-નવાર લઈ જતો હતો અને તેની સાથે શરીર સંબંધ બાધતો હતો.તેમજ આરોપી તેના બ્યુટી પાર્લર પણ જતો હતો અને શરીર સંબંધ બાંધતો હતો.તે આરોપીને અવાર-નવાર લગ્ન કરવાની વાત કરતી હતી.પરંતુ આરોપી તેને લગ્ન કરવાના અવાર-નવાર વાયદાઓ આપતો હતો.
ત્યારબાદ ગઈ તા.29ના રાજકોટમાં યોજાયેલા ડાંડીયા રાસ અને જમણવાર પ્રસંગમાં વાત-વાતમાં તેને ખબર પડી કે આરોપી તા.30ના લગ્ન કરવાનો છે. જેથી તે આરોપીના ઘરે ગઈ હતી.જયાં આરોપીને તું મારી સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી પતિની જેમ રહેતો હતો.મારી સાથે લગ્ન કરવાનો હતો અને હવે બીજી જગ્યાએ લગ્ન કરવાનો છે.તે કહેતા આરોપીએ તેને મારે તારી સાથે લગ્ન નથી કરવા તારા અને મારા સંબંધ પુરા થયા.હવે તું મને ભૂલી જજે.તેમ કહેતા પીડિત મહિલાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા કલમ 406,376 મુજબ આરોપી ચેતન ધામેલીયાને પકડી પૂછપરછ શરૂ કરી હતી.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યા મુજબ,ગઇકાલે જ ચેતનના લગ્ન હતા ગઈ કાલે સાંજના સમયે તે પરણીને ઘરે આવ્યો ત્યારે આ વિધવાએ તેમના ઘરે હોબાળો મચાવ્યો હતો અને વિધવાને લગ્નનું વચન આપી તરછોડી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો હતો અને ચેતન ધામેલીયા ઘરમાં પગ મૂકે તે પહેલાં જ તેને પકડી લેવામાં આવ્યો હતો.આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.