રાજકોટ, તા.31 : રાજકોટમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ હેલ્થ પરમીટ મતલબ કે સ્વાસ્થ્ય કારણોસર લીકર (દારૂ)નું સેવન કરવાનો પરવાનો ધરાવે છે. અંદાજે ત્રણ વર્ષ પહેલાં પરમીટ રિન્યુ-ઈશ્યુની પ્રક્રિયા બરાબર ચાલી રહી હતી પરંતુ અચાનક જ રોગી કલ્યાણ સમિતિ દ્વારા દરેક પરમીટ ધારકો પાસેથી યુનિટદીઠ રૂા.પાંચ હજારનું દાન લેવાનું શરૂ કરવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. હજુ સુધી આ દરમાં કોઈ જ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો ન હોવાથી હવે પરમીટ ધારકોએ તંત્ર સામે બાંયો ચડાવવાનું શરૂ કર્યું છે. આ માટે રવિવારે શહેરના તમામ પરમીટધારકોની એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં લડત અંગે રણનીતિ ઘડવામાં આવશે.
આ અંગે રાજુભાઈ ગોહેલ નામના પરમીટધારકે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આખા રાજ્યમાં એકમાત્ર રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી હેલ્થ પરમીટ કઢાવવા માંગતા અને જૂની પરમીટ રિન્યુ કરાવવા માંગતા અરજદારો પાસે સિવિલ હોસ્પિટલમાં ડોનેશનના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જેના પરિણામે હજારો પરમીટ ધારકોની પરમીટ રિન્યુ કરાવવાની બાકી છે અને નવા અરજદારોને એક પરમીટ કઢાવવા પાછળ 80,000થી એક લાખનો ખર્ચ થઈ રહ્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરકારી હોસ્પિટલમાં આ પ્રમાણે ડોનેશનની લૂંટ ચલાવવામાં આવતી નથી. બીજી મહત્ત્વની બાબત એ છે કે ડોનેશન એ દાતાએ પોતાની ઈચ્છા પ્રમાણે આપવાનું હોય છે
તેના માટે સરકારી તંત્ર ‘ધરાર’ ફરજ પાડી શકે નહીં આમ છતાં સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા પરમીટ ધારકો પાસે તમામ નીતિ-નિયમો નેવે મુકી ડોનેશનના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે તેનો વિરોધ કરવા માટે એક મહત્ત્વની બેઠક 2 એપ્રિલને રવિવારે ટોપાઝ આર્કેડમાં બોલાવવામાં આવી છે. આ બેઠકનો પ્રારંભ સવારે 10:30 વાગ્યાથી શરૂ થઈ જશે જેમાં આગળની લડત અંગેના નિર્ણયો લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે પરમીટ ઉપરનો દર ઘટાડવા માટે સિવિલ હોસ્પિટલમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ ત્યાંથી ‘થોડો સમય ખમી જાવ’ તેવા જ જવાબો મળી રહ્યા હોવાથી હવે આ મામલે લડત કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે.
રોગી કલ્યાણ સમિતિમાં ત્રણ વર્ષમાં કેટલું ફંડ જમા થયું, પૈસાનો ક્યાં ઉપયોગ થયો ? સિવિલ સર્જન પાસે ‘હિસાબ’ માંગતાં ધારાસભ્ય
દરમિયાન આજે રોગી કલ્યાણ સમિતિમાં ત્રણ વર્ષની અંદર હેલ્થ પરમીટના નામે કેટલા રૂપિયાનું ફંડ જમા થયું છે, આ પૈસાનો ઉપયોગ ક્યાં કરવામાં આવી રહ્યો છે, સમિતિમાં કોણ કોણ સભ્યો છે અને તેમાંથી એક્ટિવ કેટલા છે તે સહિતના મુદ્દે સિવિલ સર્જન ડૉ.આર.એસ.ત્રિવેદી પાસે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા હિસાબ માગવામાં આવ્યો છે. આ ઉપરાંત રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી રહી નથી ત્યારે આ બેઠક પણ ઝડપથી મળે તે પ્રકારે કાર્યવાહી કરવા ધારાસભ્યએ આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.