♦ ચેન્નાઈ વતી ઋતુરાજ ગાયકવાડે બનાવેલા 92 રન એળે ગયા: ધોનીએ દાવ પૂર્ણ થયા બાદ રાયડુના સ્થાને બોલર તુષાર દેશપાંડેને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે ટીમમાં સમાવ્યો’ને તેણે 3.2 ઓવરમાં લૂંટાવી દીધા 51 રન !
♦ શુભમન ગીલે ઝૂડ્યા 63 રન તો બોલિંગમાં શમી-રાશિદ-જોસેફે તરખાટ મચાવી ચેન્નાઈને હંફાવ્યું
♦ આઈપીએલમાં ચેન્નાઈ પર સળંગ ત્રીજી જીત મેળવી ગુજરાત હજુ સુધી રહ્યું ‘અજેય’
અમદાવાદ, તા.1
18મી ઓવરમાં જ્યારે ચેન્નાઈ સુપરકિંગ્સના રવીન્દ્ર જાડેજા આઉટ થયા તો સ્ટેડિયમમાં રીતસરનો દેકારો સંભળાવા લાગ્યો હતો ! આ પાછળનું કારણ હતું મહેન્દ્રસિંહ ધોની...જાડેજાની વિકેટ પડતાંની સાથે જ ધોનીએ ગ્રાઉન્ડ પર પગ મુક્યો હતો અને જૂના અંદાજમાં બેટિંગ પણ કરી હતી પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન્હોતા.
ચેન્નાઈ વતી ઋતુરાજ ગાયકવાડે 92 રનની ઈનિંગ રમ્યા બાદ ગુજરાત વતી શુભમન ગીલે 63 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમતાં આ મેચ ગુજરાતે પાંચ વિકેટે પોતાના નામે કરી લીધી છે. આ વખતના આઈપીએલની ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ પડ્યો છે જે અંતર્ગત ધોનીએ અંબાતુ રાયડુની બેટિંગ પૂર્ણ થયા બાદ તેના સ્થાને 12મો ખેલાડી રહેલા તુષાર દેશપાંડેને મેદાને ઉતાર્યો હતો પરંતુ તેણે ચેન્નાઈની નૌકા ડૂબાડી દીધી હોય તેવી રીતે માત્ર 3.2 ઓવરમાં જ 51 રન આપી દીધા હતા.
Winning start ✅
— IndianPremierLeague (@IPL) March 31, 2023
Grinning captain ☺️@gujarat_titans begin their #TATAIPL 2023 campaign with a victory at the Narendra Modi Stadium, Ahmedabad ???? ????#GTvCSK | @hardikpandya7 pic.twitter.com/fF07DH20ia
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર એક લાખથી વધુ દર્શકોની હાજરીમાં ગુજરાત-ચેન્નાઈ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં અંત સુધી રોમાંચ જોવા મળ્યો હતો. ટોસ જીતી હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સે પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જવાબમાં ચેન્નાઈ વતી ઋતુરાજ ગાયકવાડે 50 બોલમાં 92 રન ફટકારી દર્શકોના પૈસા વસૂલ કરી લીધા હતા પરંતુ મીડલ ઑર્ડર બેટરો ખાસ યોગદાન આપી શક્યા ન્હોતા. ગુજરાત વતી મોહમ્મદ શમીએ ડેવોન કોન્વેની આઉટ કરીને આઈપીએલ-2023ની પહેલી વિકેટ લીધી હતી. અંતમાં ધોની અણનમ 14 રન બનાવીને પરત ફર્યો હતો જેમાં તેણે એક છગ્ગો અને ચોગ્ગો લગાવ્યો હતો. તેની આ સ્ફૂતિ જોતાં કોઈ ન કહી શકે કે ધોની ટૂર્નામેન્ટનો સૌથી ઉંમરલાયક ખેલાડી છે !
ચેન્નાઈએ ગુજરાતને 179 રનનો લક્ષ્યાંક આપ્યો જેને ગુજરાતે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધશે હતો. શુભમન ગીલ ઉપરાંત ઋદ્ધિમાન શાહા તેમજ ઈજાગ્રસ્ત કેન વિલિયમસનના સ્થાને ઈમ્પેક્ટ ખેલાડી સાંઈ સુદર્શને સારું યોગદાન આપ્યું હતું.
ચેન્નાઈ માટે ‘બેડન્યુઝ’: ડાઈવ લગાવતાં ધોનીને પહોંચી ઈજા: અસહ્ય દુ:ખાવાથી હાલ-બેહાલ
આઈપીએલ-16ની પહેલી મેચમાં ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગુજરાત ટાઈટન્સ સામે ચોગ્ગો બચાવવા જતાં ડાઈવ લગાવી હતી. જો કે ધોની આ બાઉન્ડ્રી તો ન્હોતો રોકી શક્યો પરંતુ ડાઈવને કારણે તેને ઈજા પહોંચી હતી. આ પછી ધોની જ્યારે ઉઠ્યો ત્યારે ઘૂંટણમાં થોડી તકલીફ જોવા મળી રહી હતી.
ત્યારબાદ ટીમ ચેન્નાઈ અને ખુદ ધોની એવી આશા રાખી રહ્યા છે કે બહુ મોટી ઈજા ન હોય કેમ કે ચેન્નાઈ માટે ધોનીનું દરેક મેચમાં રમવું મહત્ત્વપૂર્ણ છે કેમ કે તે કેપ્ટનની સાથે સાથે એક ગજબનો ફિનિશર પણ છે જે ચેન્નાઈનું જમાપાસું છે.
રશ્મિકાએ કર્યો ‘નાટૂ નાટૂ’ ડાન્સ, અરિજીતે સવા લાખ લોકોને ઝૂમાવ્યા, તમન્નાના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું
આઈપીએલની પહેલી મેચ રમાય તે પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર દિગ્ગજોની હાજરીમાં ભવ્યાતિભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીને જોવા માટે સવા લાખ દર્શકો સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. મંદીરા બેદીએ અંદાજે 55 મિનિટ સુધી ચાલેલી ઓપનિંગ સેરેમનીને હોસ્ટ કરી હતી. આ કાર્યક્રમમાં બોલિવૂડના ગાયક અરિજીત સિંહ, અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.
અરિજીત સિંહના પરફોર્મન્સ સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. તેણે કેસરિયા, લહરા દો, અપના બના લે, ઝૂમે જો પઠાન, રાબતા, શિવાય, જીતેગા-જીતે, સહિતના ગીત ગાયા હતા. આ પછી નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી, નાટૂ નાટૂ અને ઢોલીડા જેવા ગીત પર ડાન્સ કર્યો હતો. રશ્મિકા પહેલાં બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ તૂને મારી એન્ટ્રી, છોગાડા તારા સહિતના ગીત ઉપર ડાન્સ કરીને સૌના મન મોહી લીધા હતા.