ગેસલાઈટ: ફાસ્ટ-ફોરવર્ડ કરીને જોઈ શકાય તેવી લસ્ત વાર્તા!

01 April 2023 11:30 AM
Entertainment India
  • ગેસલાઈટ: ફાસ્ટ-ફોરવર્ડ કરીને જોઈ શકાય તેવી લસ્ત વાર્તા!
  • ગેસલાઈટ: ફાસ્ટ-ફોરવર્ડ કરીને જોઈ શકાય તેવી લસ્ત વાર્તા!

ગણતરીના વર્ષોની અંદર ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ પ્લેટફોર્મ ભારતના ઑટીટી વિશ્ર્વ પર રાજ કરવા માંડ્યું છે. એક તરફ જ્યાં નેટફ્લિક્સ જેવા ધરખમ પ્લેટફોર્મને પોતાના સબસ્ક્રાઈબર્સ ઊભા કરવા માટે રીતસરના હવાતિયાં મારવા પડે છે, ત્યાં હોટસ્ટાર પોતાના કોન્ટેન્ટના જોર પર કાઠું કાઢી રહ્યું છે. અલબત્ત, સિનેમાઘરોમાં રીલિઝ થનારી ફિલ્મોને ઑટીટી પર રીલિઝ કરવાનો નિર્ણય હવે આ પ્લેટફોર્મને ભારે પડવાનો છે, એવા સ્પષ્ટ એંધાણ છે. ઑટીટી પર બધું ચાલી જશે, એવા ભ્રમમાં રહેવા જેવું નથી. હોટસ્ટારની ઘણી બધી આ ભ્રમને કારણે જ ઊંધા મોંએ પટકાઈ છે! એમાંની એક ફિલ્મ એટલે ગેસલાઈટ.

ગુજરાતના કાઠિયાવાડનું હ્રદય ગણાતાં મોરબી શહેરની આ વાર્તા છે. રાજપરિવારની એકની એક દીકરી એવી મીશા (સારા અલી ખાન) 15 વર્ષો પછી પોતાના પિતા એટલે કે મોરબીના રાજાને મળવા માટે મહેલ પરત ફરી છે. આશ્ચર્યની વાત એ છે કે મીશાને મોરબી પાછી બોલાવનારા એના પિતા ગાયબ થઈ ગયા છે! તેમના પર્સનલ આસિસ્ટન્ટ કપિલ (વિક્રાંત મેસ્સી)ને પણ ખ્યાલ નથી કે રાજા ક્યાં છે! મહારાણી રુક્મણિ - મીશાની ઓરમાન માતા (ચિત્રાંગદા સિંહ) કંઈક રહસ્ય છુપાવીને બેઠાં છે. મીશાને ખબર પડે છે કે તેના પિતાનું ખૂન થઈ ચૂક્યું છે, જેના તાણાવાણાં પિતરાઈ ભાઈ રાણા જય સિંહ (અક્ષય ઓબેરોય) અને મોરબીના એસ.પી. અશોક (રાહુલ દેવ) સાથે કોઈક રીતે જોડાયેલાં છે. આખરે કોણ છે, મીશાના પિતાનો ખૂની?

ફિલ્મને રજવાડી-ટચ આપવા માટે ભયંકર ડાર્ક ટોનમાં પિક્ચર શૂટ થયું છે. એક સમય પછી ફિલ્મનો પીળાશ પડતો કલર-પેલેટ આંખને ખટકવા માંડે છે. અધૂરામાં પૂરું, હોટસ્ટારે હવે ફિલ્મની વચ્ચે-વચ્ચે જાહેરાતો ઘૂસાડી દીધી છે. જેવી રીતે ટેલિવિઝન ચેનલો પર આવતી જાહેરાતો ખટકે છે, એવી જ રીતે ઑટીટી પરની આ જાહેરાતો પણ મગજમાં હથોડા પાડવાનું કામ કરે છે. લથડતી સ્ટોરી અને પ્રેડિક્ટેબલ કહી શકાય એવો પ્લોટ ફિલ્મને કંટાળાજનક બનાવે છે. સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહનું એકધારું મોનોટોનસ પર્ફોમન્સ ફિલ્મને લસ્ત બનાવી નાંખે છે. ઑટીટી પર કંઈ જ જોવાનું ન બચ્યું હોય, તો એકાદવાર આ ફિલ્મ જોઈ શકાય... પણ ફાસ્ટ-ફોરવર્ડ કરીને!
[email protected]

કેમ જોવી?: ગુજરાતની કાઠિયાવાડ-બેઝ્ડ મર્ડર-મિસ્ટ્રી જોવાની ઈચ્છા હોય તો!
કેમ ન જોવી?: એકદમ ચીલાચાલુ થ્રિલર છે માટે!

-: ક્લાયમેક્સ :-
31 માર્ચ એટલે કે ગઈકાલથી ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’નું ‘એચ.બી.ઓ.’ ચેનલ સાથેનું કોલાબ્રેશન ખતમ થઈ ચૂક્યું છે. એનો અર્થ એમ કે ‘ગેમ ઑફ થ્રોન્સ’ જેવા જોરદાર ટીવી-શો હવેથી હોટસ્ટાર પર ઉપલબ્ધ નહીં હોય! જોવાનું એ રહ્યું કે આની કોઈ અસર હોટસ્ટારના સબસ્ક્રાઈબર્સ ઉપર થાય છે કે કેમ!

સાંજ સ્ટાર
બે ચોકલેટ


Related News

Advertisement
Advertisement