નવીદિલ્હી તા.1 : આજથી એટલે કે 1 એપ્રિલથી ડિઝીટલ વોલેટ કે ગિફટ કાર્ડથી 2000 રૂપિયાથી વધુ યુપીઆઈ પેમેન્ટ પર 1.1 ટકા સુધીનો ઈન્ટરચેન્જ ચાર્જ લાગશે. ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ નિગમે સ્પષ્ટ કર્યું છે કે આની આમજનને કોઈ અસર નહીં પડે. ઈન્ટરચેન્જ ચાર્જ માત્ર પીપીઆઈ પેમેન્ટ પર લાગુ થશે. ડિઝીટલ વોલેટ પર ચાર્જનો બોજ દુકાનદાર ઉઠાવશે.
શું છે પીપીઆઈ? : પૂર્વ પેમેન્ટ સાધન (પીપીઆઈ)માં ઈ-વોલેટ અને પ્રીપેડ કાર્ડ સામેલ છે. તેમાં અગાઉથી પૈસા જમા રહે છે, જેનાથી ગ્રાહક પેમેન્ટ કરે છે યુપીઆઈ પેમેન્ટમાં જયાં પૈસા એક બેન્ક ખાતાથી બીજા ખાતામાં જાય છે, જયારે પીપીઆઈમાં પૈસા ડિઝીટલ વોલેટમાંથી કપાઈને બેન્કમાં જાય છે. આ પ્રક્રિયાને ચાર્જના ક્ષેત્રમાં લાવવામાં આવી છે. ભારતમાં બેન્કો સિવાય પેમેન્ટ વોલેટની સુવિધા ઉપલબ્ધ કરાવનારી મુખ્ય કંપનીઓ પીપીઆઈ સાથે જોડાયેલી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.
ગ્રાહકના દ્દષ્ટિકોણથી : કોઈ દુકાનદાર પાસેથી 2010 રૂપિયાનો સામાન ખરીદે છે અને વોલેટથી પણ પેમેન્ટ કરો છો તો ગ્રાહક તરીકે કોઈ ચાર્જ નહીં દેવો પડે. જો બેન્ક ખાતાથી યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો પણ ચાર્જ નહીં લાગે.
દુકાનદારોના પક્ષથી : જો ગ્રાહક આપને (દુકાનદારને) વોલેટથી 2000 રૂપિયાથી વધુનું પેમેન્ટ કરે છે તો આપે (વેપારીએ) ઈન્ટરચેન્જ ચાર્જ આપવો પડશે. જો ગ્રાહક બેન્ક ખાતા સાથે જોડાયેલા યુપીઆઈથી પેમેન્ટ કરશે તે સરચાર્જ નહીં લાગે.
ખાતાથી મફતમાં પેમેન્ટ : એનપીસીઆઈએ સ્પષ્ટ કયુર્ં છે કે બેન્ક ખાતાથી બેન્ક ખાતા આધારિત યુપીઆઈ પેમેન્ટ કે સામાન્ય યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે એટલે કે તે પહેલાની જેમ મફત હશે.
પીપીઆઈથી લેવડદેવડ માત્ર બે ટકા : આંકડા મુજબ યુપીઆઈ લેવડ દેવડ 80 ટકાથી વધુ સીધા બેન્કના માધ્યમથી થાય છે. બાકી 20 ટકામાં ડેબીટ કાર્ડ અને વોલેટનો વિકલ્પ સામેલ છે. તેમાં પણ પીપીઆઈથી લેવડ દેવડ માત્ર બે ટકા જ છે.