સીએટલ (અમેરિકા) તા.1
અમેરિકામાં લગભગ 52 વર્ષથી કેદ એક વ્હેલ માછલીને આઝાદ કરવામાં આવશે. આ વહેલનું નામ લોલિતા છે અને તે ઓર્કા પ્રજાતિની છે. તેને મિયામી સિકવેરિયમમાં કરતબ દેખાડવા માટે કેદ કરવામાં આવી હતી પરંતુ હવે તે સેવા નિવૃત્ત થઈ ચૂકી છે અને કરતબ પણ નથી દેખાડતી.
મુકિત માટે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો
સિકવેરિયમ તરફથી જણાવાયા મુજબ વ્હેલની મુકિત માટે બિન લાભકારી સમૂહ ફ્રેન્ડસ ઓફ લોલિતા સાથે કરાર કરવામાં આવી રહ્યો છે. તેને આગામી બે વર્ષમાં પ્રશાંત મહાસાગરમાં છોડવામાં આવશે. આશા છે કે તે સમુદ્રમાં શિકાર કરી શકશે. તેની મુકિત માટે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો.
મા સાથે થશે મુલાકાત
એ રસપ્રદ બાબત છે કે લોલિતા વ્હેલ માછલીની માતા જીવિત છે. પ્રશાંત મહાસાગરના પશ્ચિમ ભાગમાં તેની મા પણ ઘુમી રહી છે, તેનું નામ ઓશિયન સન છે. તેની વય લગભગ 90 વર્ષ છે. આશા છે કે લોલિતાની અહીં માતા સાથે મુલાકાત થશે.
પાંચ વર્ષની હતી ત્યારે તેને કેદ કરાઈ હતી
લોલિતાને 1970માં સિએટલ પાસે કરતબ દેખાડવા માટે પકડવામાં આવી હતી. હાલ લોલિતાની ઉંમર 57 વર્ષની થઈ ગઈ છે અને તેનું વજન 2268 કિલોગ્રામ છે. લોકો તેને પ્રેમથી ટોકી કહીને પણ બોલાવે છે. લોલિતા માટે લોકોની દિવાનગી એટલી હતી કે હજારો લોકો સિકવેરિયન પહોંચતા હતા પણ લોલિતાનો શો બંધ થયા બાદ અહીં આવનારા લોકોમાં ઘટાડો થયો હતો.