જામનગરમાં ફિલ્મને ઓનલાઇન રેટીંગ આપવાની લોભામણી સ્કીમ મારફત રૂા.1.12 કરોડની છેતરપીંડી

01 April 2023 11:51 AM
Jamnagar Crime Gujarat
  • જામનગરમાં ફિલ્મને ઓનલાઇન રેટીંગ આપવાની લોભામણી સ્કીમ મારફત રૂા.1.12 કરોડની છેતરપીંડી

જામનગરના દંપતિ ઘરે બેઠા ઓનલાઇન વર્ક કરી કામની શોધમાં હતા ત્યારે ભેજાબાજે માયાજાળ પાથરી દંપતિને ફસાવ્યું: ઠગ દ્વારા ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટ સુરતના શખ્સનું નિકળ્યું: કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરવા દેનાર સુરતના શખ્સને જામનગર સાયબર ક્રાઇમની ટીમે દબોચી લઇ મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી: ટિકીટોના રેટીંગ માટે રૂા.2500થી 5000 લેખે રોકાણ કરાવી ઉચ્ચા વળતરની અપાઇ હતી લાલચ: મહિલાનો વિશ્ર્વાસ જીતવા તેણીને રૂા.99 હજાર કમિશન પણ ચુકવ્યું અને પછી અસલી રંગ દેખાડયો

જામનગર તા.1
જામનગરનું એક દંપતી ટિકિટિંગના વ્યવસાયમાં ઘરેથી કામ કરીને સરળતાથી રુપિયા કમાવવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યું હતું. ઓનલાઈન ફ્રોડમાં દંપતીએ કુલ રુપિયા 1.12 કરોડ રુપિયા ગુમાવ્યા હતા. જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, છેતરપિંડીનો ભોગ બનેલા દંપતીને ટેલીગ્રામ પર એક મેસેજ આવ્યો હતો અને એમાં લખ્યું હતું કે, તમે તમારા ઘરે બેઠાં આરામથી કમાણી કરી શકો છો, તમારે માત્ર ફિલ્મોને રેટિંગ આપવાનું છે. આ મેસેજમાં એવો પણ વાયદો કરવામાં આવ્યો હતો કે, આ કામ કરીને તમે રોજના રુપિયા 2500-5000 કમાઈ શકો છે. એ પછી દંપતીએ મેસેજ મોકલનારોનો સંપર્ક કર્યો હતો.

ત્યારે તેમને એક ફેક વેબસાઈટ પર સાઈન કરવાનું અને પાસવર્ડ નાખવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં તેમને એક ટેલીગ્રામ ગ્રૂપમાં પણ એડ કરવામાં આવ્યા હતા. દંપતીને એ સાબિત કરવા માટે પહેલાં એક ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું હતું કે તેને રેટિંગ આપતા પહેલાં આ ફિલ્મ જોઈ છે. ધીમે-ધીમે આ દંપતિને રૂા1.12 કરોડનો ધુંબો મારવામાં આવ્યો હોવાનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સુત્રોએ જણાવ્યું હતું.

આ મામલે વેબસાઈટ પર લોગ ઈન કર્યા બાદ દંપતીએ 28 ફિલ્મો માટે એક જથ્થાબંધ ટિકિટો ખરીદવી પડી હતી, જેમાં હોલીવુડ, બોલીવુડ અને સાઉથ ઈન્ડિયનની હિન્દી ડબ ફિલ્નો સામેલ હતી. ત્યારપછી દરેક મૂવીને રેટિંગ આપ્યા બાદ તેઓને પૈસા મળવાના હતા. ફિલ્મના રેટિંગ માટેનું કમિશન રુપિયા 2500થી 5000ની વચ્ચેનું હતું. હિન્દી, અંગ્રેજી અને દક્ષિણ ભારતની ફિલ્મો માટે કમિશન અલગ અલગ હતું. પોલીસના જણાવ્યા મુજબ, આ દંપતી ભણેલુ ગણેલું છે અને ફરિયાદની પત્નીનું અંગ્રેજીની ભાષા પર સારુ એવું પ્રભુત્વ છે. આ દંપતી પણ ઘરેથી કામ કરતી વખતે સારી એવી કમાણી કરી શકે એવી કોઈ નોકરી શોધી રહ્યું હતું. જેથી તેમને પણ આમાં રસ પડ્યો અને મૂવી રેટિંગ વ્યવસાય માટે ઓનલાઈન રિસર્ચ કર્યું, તો તેમને સાચુ લાગ્યું હતું અને આ રીતે તેઓ જામનગરના ઠગની માયાઝાળમાં ફસાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ટિકિટનું પહેલું બંચ ખરીદવા માટે ભેજાબાજોએ પીડિતોનો વિશ્વાસ જીતવા માટે રુપિયા 10 હજારની કૂપનો મોકલી હતી. એ પછી કમિશન સહિતની કુલ 99 હજાર રુપિયા થોડા સમય બાદ તેમના ખાતામાં જમા કર્યા હતા. વિશ્વાસ આપ્યા બાદ પીડિતોએ રેટિંગ આપવા માટે ટિકિટ ખરીદવાનું શરુ કર્યુ હતુ અને રુપિયા 5 લાખ સુધી રકમ પહોંચી હતી. જ્યારે દંપતી આ રુપિયા ઉપાડવા માટે ગયા ત્યારે વધુ કમાણી માટે એટલી જ રકમની ટિકિટ ખરીદવાનું આરોપી સ્મિત જવેરભાઇ પટોળીયા નામના શખ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું.

આમ, મહિલા પોતાના જ રુપિયા પાછા મેળવવાના ચક્કરમાં એક ટ્રેપમાં ફસાઈ ગઈ હતી. આ પ્રક્રિયામાં તેણે ટિકિટ ખરીદવામાં કુલ રુપિયા 40 લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે મહિલાએ રુપિયા 40 લાખ ઉપાડવા માટે પ્રયાસ કર્યો તો ભેજાબાજોએ તેમને પહેલાં સરચાર્જ ચૂકવવાનું કહ્યું, કારણ તે એક મોટી રકમ હતી. આ સમયે ચૂકવણીની રકમ લગભગ 70 લાખ રુપિયાએ પહોંચી હતી, તેમ પોલીસે જણાવ્યું હતું. એ પછી ભેજાબાજોએ મહિલાને કહ્યું કે, આટલી મોટી રકમ જો તેઓ ઉપાડશે તો તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ થઈ શકે છે. જો આનાથી બચવું હોય તો સંપૂર્ણ રકમ કોઈ બીજી સ્કીમમાં લગાવી દો તેઓ જાસો આપ્યો હતો.

આ રીતે છેતરપિંડીનો અહેસાસ થાય એ પહેલાં દંપતીએ કુલ રૂા.1.12 કરોડ રૂપિયા જેટલી રકમ આરોપીના કહેવા પ્રમાણે જમા કરાવી હતી. જામનગર સાયબર ક્રાઈમ પોલીસના મતે આ ઘટના બાદ અમે બેંકના વ્યવહારો શોધી કાઢ્યા અને પછી સુરતમાંથી આ ગુન્હામાં એક આરોપીની ધરપકડ કરી હતી. 21 વર્ષીય આરોપી સ્મિત પટોળિયાએ પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે સાયબર ભેજાબાજોને મંજૂરી આપી હતી. સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા આ આરોપીનું ખાતુ વાપરનાર મુખ્ય ભેજાબાજ અને સુત્રધાર તથા તેની સાથે સંકળાયેલા અન્ય શખ્સો અંગે તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે.


Related News

Advertisement
Advertisement