ગાંધીનગર તા.1 : ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયાના બે જ દિવસમાં રાજય સરકારે એક સાથે 109 આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢીને વહીવટીતંત્રમાં મોટા ફેરફારો કર્યા છે. અનેક મહત્વપૂર્ણ જગ્યાઓના અધિકારીઓ બદલાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રને લાગેવળગે છે ત્યાં સુધી સાત કલેકટર, ત્રણ જીલ્લા વિકાસ અધિકારી તથા એક મ્યુનીસીપલ કમિશ્નરનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બીજી ટર્મના શાસનના 100 દિવસ પુર્ણ કર્યાની ઉજવણી કર્યાના બીજા જ દિવસે વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો જારી કર્યા છે. એડીશ્નલ ચીફ સેક્રેટરીથી માંડીને એડીશ્નલ કલેકટર સુધીની રેન્કના અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે. બદલી કરાયેલા અધિકારીઓમાં પાંચ એડીશ્નલ ચીફ સેક્રેટરી, ચાર પ્રિન્સીપાલ સેક્રેટરી, 12 સેક્રેટરી, 19 કલેકટર, 14 ડીડીઓ (જીલ્લા વિકાસ અધિકારી) ત્રણ મ્યુનીસીપલ કમિશ્નર તથા ચાર નગરપાલિકા કમિશ્નરોનો સમાવેશ થાય છે.
► સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ સહિત સાત કલેકટર, જામનગર, પોરબંદર, મોરબીના ડીડીઓ તથા રાજકોટના મ્યુ.કમિશ્નર બદલાયા
સીનીયોરીટીમાં મુખ્ય સચીવ પછી બીજો ક્રમ ધરાવતા મુકેશ પુરીને કૃષિ વિભાગના અગ્રસચીવની જગ્યાએથી ગૃહવિભાગના અગ્રસચીવ બનાવાયા છે. ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડાયરેકટર તરીકેનો વધારાનો હવાલો ધરાવશે. કૃષિ વિભાગના અધિક સચીવપદે એ.કે.રાકેશને મુકવામાં આવ્યા હતા. સામાન્ય વહીવટી વિભાગમાંથી તેઓને બદલવામાં આવ્યા છે. મહેસુલ સચીવ કમલ ધ્યાનીને સામાન્ય વહીવટ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શિક્ષણ સચીવ (ઉચ્ચ-ટેકનીકલ એસ.જે.હૈદરને મહત્વપૂર્ણ ઉદ્યોગ-ખાણખનીજ વિભાગના સચીવ બનાવવામાં આવ્યા છે. ‘સ્પીપા’ના ડાયરેકટર જનરલ આર.સી.મીનાને ફુડ-પુરવઠા વિભાગના મુખ્ય સચીવપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. બદલીના ઓર્ડરોમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા તથા સોમનાથના કલેકટરોનો સમાવેશ થાય છે.
► જામનગરના કલેકટર પ્રવાસન વિભાગમાં મુકાયા: શહેરી વિકાસમાંથી મુકેશકુમાર ઉચ્ચ શિક્ષણમાં મુકાયા: મુકેશ પુરીને ગૃહ સચિવ બનાવાયા
જામનગરના કલેકટર ડો. સૌરભ પારઘીને પ્રવાસન વિભાગના મેનેજીંગ ડાયરેકટર બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલને રાજકોટ કોર્પોરેશનમાં કમિશ્નર બનાવાયા છે. રાજકોટ કમિશ્નર અમીત અરોરાની કચ્છ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટના જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની ઉતર ગુજરાત વિજ કંપનીના એમ.ડી. બનાવાયા છે અને તેમના સ્થાને રાજકોટ જીલ્લા કલેકટર તરીકે પ્રભાવ જોશીને મુકવામાં આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર આશિષકુમારન પંચમહાલ-ગોધરાના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. રાજકોટના પુર્વ ડીડીઓ તથા હાલ અમદાવાદમાં નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર અનિલ રાણાવસિયાને જુનાગઢ કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.રાજકોટમાં પીજીવીસીએલના એમ.ડી. વરૂણ બરનવાલની બદલી થઈ છે
► રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુ, અધિક કલેકટર કેતન ઠકકર, કમિશ્નર અમીત અરોરા, ડેપ્યુટી કમિશ્નર આશિષકુમાર તથા પીજીવીસીએલના એમડી બરનવાલ બદલાયા
અને તેમના સ્થાને એમ.જે.દવેની નિયુક્તિ કરવામાં આવી છે. બરનવાલને પાલનપુર-બનાસકાંઠાના કલેકટર બનાવવામાં આવ્યા છે. રાજકોટમાં અગાઉ એડીશ્નલ કલેકટર તરીકે ફરજ બજાવી ચુકેલા હર્ષદ વોરાની સાબરકાંઠાના જીલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટના અધિક નિવાસી કલેકટર કેતન ઠકકરની પોરબંદર જીલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચીવ મુકેશ પુરીને ઉચ્ચ-ટેકનીકલ શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. રાજકોટમાં પુર્વ કલેકટર રાહુલ ગુપ્તાની ઔદ્યોગીક કમિશ્નરની જગ્યાએથી જીઆઈડીસીના એમડી તરીકે બદલી કરવામાં આવી છે. બોટાદના કલેકટર બી.એ.શાહને જામનગર કલેકટર બનાવાયા છે. દ્વારકામાં કલેકટર પદે પોરબંદરના અશોક શર્માને મુકાયા છે. અશોક શર્માની ગાંધીનગર બદલી થઈ છે.
‘સાંજ સમાચાર’નો બે દિવસ પુર્વેનો અહેવાલ સચોટ સાબિત
સચોટ અને તટસ્થ સમાચારો આપવામાં કાયમ અગ્રેસર રહેતા ‘સાંજ સમાચાર’ દ્વારા બે દિવસ પુર્વે જ આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર વિધાનસભા ચૂંટણી બાદ નિકળવાનો સંકેત આપવામાં આવ્યો હતો. આ અહેવાલ એકદમ સચોટ સાબીત થયો છે. વિધાનસભાનું સત્ર પુર્ણ થયાના બે દિવસમાં જ 109 આઈએએસ અધિકારીઓની બદલીના એકસામટા ઓર્ડર થયા છે.