પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરતા બારવણ ગામના કોળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

01 April 2023 12:10 PM
Rajkot Crime Saurashtra
  • પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરતા બારવણ ગામના કોળી યુવકનો ઝેરી દવા પી આપઘાત

► ગત રાતે પત્નીને બારવણ જવાનું કહીં સાથે નિકળ્યા બાદ રસ્તામાં મેલડી માતાજીના મંદિરે અંતિમ પગલું ભરી લીધું

► મંદિર બહાર ઉભેલી પત્નીએ અંદર જોયું તો નારણ બેભાન પડયો’તો: સારવાર મળે તે પહેલા જ દમ તોડયો: પરીવારમાં આક્રંદ: પોલીસ દોડી ગઈ

રાજકોટ તા.1 : શહેરની ભાગોળે અમદાવાદ હાઈવે નજીક આવેલ બારવણ ગામ નજીક પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરતા કોળી યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં રણુજા મંદિર પાસે રહેતા અને મુળ ભારવણ ગામનો નારણભાઈ ચોથાભાઈ તલાવડીયા (ઉ.22) ગત રોજ રાત્રીના તેની પત્નીને સાથે બારવણ ગામે આંટો મારવા જતા હતા ત્યારે રસ્તામાં આવેલ મેલડી માતાજીના મંદિરે તેની પત્નીને મંદિર બહાર ઉભી રાખી

તેને મંદિરમાં જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જયારે મોડે સુધી પતિ મંદિર બહાર ન નિકળતા તેની પત્નીએ તપાસ કરતા યુવક બેભાન હાલતમાં પડયો હતો. જે અંગે તેના નણંદને ફોન કરી જાણ કરી હતી અને દોડી આવેલા પરીવારજનોએ પ્રથમ કુવાડવા અને બાદમાં રાજકોટ સીવીલ હોસ્પીટલે સારવારમાં ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.

વધુમાં મૃતકના પરીવારજનોએ જણાવ્યા અનુસાર નારણના લગ્ન એક વર્ષ પહેલા હુડકોમાં રહેતી યુવતી સાથે થયા હતા. બાદમાં તેની પત્નીએ રાજકોટ રહેવાની જીદ કરી હતી. જેથી યુવક દસ દિવસથી રણુજા મંદિર પાસે રૂમ ભાડે રાખી રહેતો હતો. પરંતુ તેનું મન રાજકોટના બદલે પોતાના ગામ બારવણમાં રહેવાનું હોય જેથી ગત રોજ તેની પત્નીને બારવણ આંટો મારી આવીએ કહી બન્ને નિકળ્યા હતા અને રસ્તામાં જ અંતિમ પગલુ ભરી લીધું હતું. મૃતક મજુરીકામ કરતો અને છ ભાઈ બહેનોમાં નાનો હતો. બનાવથી પરીવારમાં આક્રંદ છવાયો હતો.

મૃતકની પત્નીએ નણંદને ફોન કરી કહ્યું, અમે આપઘાત કરીએ છીએ અને પગલું નારણે જ ભર્યું
મૃતકના પરીવારનો શંકા સાથે આક્ષેપ
રાજકોટ તા.1 : ગત રાત્રીના દંપતી બારવણ ગામે આવવા બાઈકમાં સાથે નિકળ્યા બાદ મૃતકની પત્નીએ તેના નણંદને ફોન કરી કહ્યું હતું કે અમે બન્ને આપઘાત કરી જીવન ટુંકાવી લેવાના છીએ જે બાદ યુવકે જ આપઘાત કર્યો હતો અને ફરી તેને નણંદને બનાવ અંગે જાણ કરી હતી. જેથી પરીવારજનોને શંકા છે કે પત્ની સાથે હતી છતા યુવકે પગલું કેવી રીતે ભરી લીધું. બનાવમાં કંઈક અજુગતું થયાનો આક્ષેપ કર્યો હતો.


Related News

Advertisement
Advertisement