રાજકોટમાં ડ્રેનેઝ પમ્પીંગ સ્ટેશનમાં વાલ્વ ખોલવા જતા મુકેશ ગંદા પાણીમાં ગરક થઈ ગયો:મૃત્યુ

01 April 2023 12:13 PM
Rajkot Crime Saurashtra
  • રાજકોટમાં ડ્રેનેઝ પમ્પીંગ સ્ટેશનમાં વાલ્વ ખોલવા જતા મુકેશ ગંદા પાણીમાં ગરક થઈ ગયો:મૃત્યુ
  • રાજકોટમાં ડ્રેનેઝ પમ્પીંગ સ્ટેશનમાં વાલ્વ ખોલવા જતા મુકેશ ગંદા પાણીમાં ગરક થઈ ગયો:મૃત્યુ

► રામવન પાસેની ઘટના:મિત્રએ આજુબાજુમાંથી લોકોને બોલાવી બચાવવાનો પ્રયાસ કર્યો’તો:ફાયરબ્રિગેડે મૃતદેહને બહાર કાઢ્યો

► સમાજના આગેવાનો અને પરિવારજનોનો યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર:એકાદ મહિનાથી કોન્સ્ટ્રાક્ટ પર નોકરીએ ચડ્યો હતો:પરિવારમાં કલ્પાંત

રાજકોટ,તા.1 : શહેરની ભાગોળે રામવન નજીક દુરદર્શન ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનો વાલ્વ ખોલતી વખતે પગ લપસતાં યુવક ગંદા પાણી ભરેલા ખાડામાં પડતા તે પાણીમાં ગરક થઈ ગયો અને તેનું ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે તેનું બાઇક ત્યાં પડેલું જોઈ માણસો એકઠા થઇ ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કર્યા તેના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો હતો.મૃતકના સમાજના આગેવાન અને પરિજનોએ આર્થિક સહાય અને આવાસ આપવાની માંગ ન સ્વીકારાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો હતો.હાલ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે.

વધુ વિગતો મુજબ,આજીડેમથી રામનવન જવાના રસ્તે આવેલા દુરદર્શન ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશને ગઈકાલે સાળા ચારેક વાગ્યે મુકેશ પ્રતાપભાઇ રાઠોડ (ઉ.વ.22) નામનો કર્મચારી ડ્રેનેજનો વાલ્વ ખોલવા બાઇક લઈ પહોંચ્યો હતો અને વાલ્વ ખોલી રહ્યો હતો.ત્યારે તેનો પગ લપસ્યો હતો અને તે બાજુમાં જ આવેલા ગંદા પાણી ભરેલા 40 ફૂટ ઊંડા ટાંકામાં પડી ગયો હતો.ત્યાં પહોંચેલા સુરેશ રાઠોડે મુકેશની બાઇક જોઈ અને ત્યાં મુકેશ જોવા ન મળતા સાથી કર્મચારી સંજય રાઠોડે અન્ય લોકોને બોલાવી દોરડાની મદદથી મુકેશને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેમાં સફળતા ન મળતાં તેમણે 108 અને ફાયરબ્રિગેડ સ્ટાફને બોલાવાયો હતો.

બાદમાં 108નો સ્ટાફ ત્યાં પહોંચી ગયો અને થોડીવારમાં ફાયર બ્રિગેડના સ્ટાફે મુકેશના મૃતદેહને મહામહેનતે બહાર કાઢ્યો હતો.આ ઘટનાની જાણ થતાં આજુ બાજુમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને આજીડેમ પોલીસ પણ ત્યાં દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.મુકેશ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને એક મહિનાથી જ કોન્ટ્રાક્ટર પેઢીમાં નોકરી પર રહ્યો હતો અને પમ્પિંગ સ્ટેશનમાં જ રહેતો હતો.

ત્યારે મુકેશ રાઠોડ ડ્રેનેજના ટાંકામાં પડી જતા અને તેનું મૃત્યુ થતાં સફાઇ કામદારો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા અને કામના સ્થળે સુરક્ષાના પૂરતા સાધનો નહી રાખવાને કારણે મુકેશનું મૃત્યુ થયાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.તેમજ માંગણી નહીં સ્વીકારવામાં આવે તેમજ જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યંર હતું.ઉલ્લેખનીય છે કે,દસ દિવસ પૂર્વે જ ગોકુલધામની સામે ભૂગર્ભ ગટરની કામગીરી વખતે શ્રમિક ગટરની સફાઇમાં ઉતર્યો હતો અને ગેસ ગળતર થતાં તે ગૂંગળાયો હતો, તેને બચાવવા જતાં તેના કોન્ટ્રાક્ટર પણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા અને બંનેનાં મોત નીપજ્યા હતા.

સુરક્ષાના સાધનોના અભાવને કારણે યુવકનું મોત નિપજયુ હોવાનો આક્ષેપ
રામવન પાસે પાણીનો વાલ્વ ખોલવા જતા કર્મચારી મુકેશ રાઠોડનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવમાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ત્યાં સમાજના આગેવાન ડી.ડી.સોલંકી,માધુભાઈ ગોહિલ અને રમેશભાઈ મૂછડીયા સહિતનાઓ આવી પહોંચ્યા હતા. તેઓએ રજુઆત કરતા જણાવ્યું હતું કે,સ્થળ પર સુરક્ષાના સાધનોના અભાવને કારણે મૃત્યુ થયેલ છે.ડ્રેનેજ નું પાણી ગંદુ ને ખરાબ હોવાથી ગેસ ઉત્પન્ન થતો હોય, જેથી પડી જવાથી ગુંગણામણ પણ થયેલ હોય, સાથો સાથ બચવાના કોઈ સાધનો ન હોવાથી પ્રાથમિક તપાસે તેનું મોત થયું હોય તેવું લાગે છે. જેથી આમાં જવાબદાર અધિકારીઓ સામે બેદરકારી નો ગુન્હો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

સમાજ અને પરિવારજનોની આ છે માંગણીઓ
1) પરિવારને આવાસ મળે.
2) મૃતક પરિવારને કાયમી નોકરી મળે.
3) પરિવારને આર્થિક 25 લાખની સહાય આપવામાં આવે.
4) જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરી ગુનો નોંધી ફરિયાદ દાખલ કરવામાં આવે અને બેદરકારી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવે.
5) ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક કાયદો બનાવવામાં આવે.
6) ફોરેન્સિક પેનેલ મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવે.


Related News

Advertisement
Advertisement