વેરાવળ, તા.1 : વેરાવળ તાલુકાના પાટણ વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકનાં મોબાઈલમાંથી એક મહિલાનો 181માં ફોન આવ્યો હતો કે મારા પતિ મને મારકૂટ કરતા હોય અને મને રાખવા માંગતા નથી. જે માટે એમને સમજાવવાનાં છે. જેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સિલર મનીષા ધોળિયા કોન્સ્ટેબલ વર્ષાબેન તેમજ ડ્રાઈવર દિનેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પીડિતાનું કાઉન્સેલિંગ કરી અને પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.
સૌ પ્રથમ પીડિતા મહિલાએ જે સરનામું આપેલ તે સરનામા પર ટીમે તપાસ કરી હતી પરંતુ ત્યાં પીડિતા મહિલાનાં પતિનાં નામનો કોઈ વ્યક્તિ રહેતો ન હતો તેમજ પાડોશીઓએ પણ આ મહિલાને ક્યારેય જોયેલી ન હતી. પીડિત મહિલાને જ ખબર ન હતી કે તેનું સાસરુ ક્યાં છે?
ઉપરાંત આ મહિલા પાસે કોઈનો જ સંપર્ક નહોતો પરંતુ તેના માતા-પિતા ક્યાં રહે છે તે ખબર હતી. મહિલાના માતાપિતા વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા. જ્યાં તપાસ કરતાં પીડિતાનાં માતા હાજર હતા. સમગ્ર ટીમ તેમને મળી અને તેમની દીકરીની હાલત વિશે જણાવેલ.આ દરમિયાન પીડિતાનાં માતાએ જણાવ્યું કે મારી દીકરીની માનસીક સ્થિતિ સારી રહે તે માટે દવા ચાલુ છે. ક્યારેક તેને કશું કહેવાય જાય તો એ ઘરેથી નીકળી જાય છે. આમ કહી તેમણે દીકરીની શોધ કરી ફરી ભેટો કરાવવા બદલ 181 ટીમનો આભાર માન્યો હતો.