નવી દિલ્હી તા.1 : 2022-23ના નાણાકીય વર્ષમાં સરકારની કરવેરા આવકમાં ખાસ કરીને સીધા કરવેરાની આવકમાં રૂા.50 હજાર કરોડનું ગાબડુ પડે તેવા સંકેત છે. ગઈકાલે પુરા થયેલા નાણાકીય વર્ષમાં સરકારને તા.30 માર્ચ સુધીમાં રૂા.15.97 લાખ કરોડની આવક નોંધાઈ છે. પરંતુ સરકારે રૂા.16.05 લાખ કરોડની નવા લક્ષ્યાંક સાથેની સીધા કરવેરાની આવક થશે તેવો અંદાજ મુકયો હતો. જો કે અધિકારીઓ માને છે કે આડકતરા કરવેરાની આવકમાં અને ખાસ કરીને કસ્ટમ અને એકસાઈઝનું કલેકશન જે રીતે વધ્યું છે
► સેન્ટ્રલ જીએસટી, કસ્ટમ એકસાઈઝ તથા અન્ય આડકતરી આવક મારફત સરકારનો બજેટ લક્ષ્યાંક પુરો થઈ જવાનો સંકેત
જેનાથી એકંદરે સરકારની કરઆવકના લક્ષ્યાંક પુરા થઈ જશે. ગઈકાલે જ સંપન્ન થયેલા નાણાંકીય વર્ષમાં સરકારને કુલ રૂા.30.43 લાખ કરોડની કરવેરા આવક થવાનો અંદાજ છે જે બજેટમાં વાસ્તવિક રીતે રૂા.27.57 લાખ કરોડ અંદાજવામાં આવી હતી. પરંતુ બાદમાં જે રીતે ઔદ્યોગીક સહિતની પ્રવૃતિ વધી પછી સરકારે તેનો લક્ષ્યાંક સુધાર્યો હતો અને ડાયેરકટ ટેકસ કલેકશનની આવક રૂા.14.20 લાખ કરોડમાંથી 16.5 લાખ કરોડનો નવો અંદાજ મુકયો હતો. તા.30 માર્ચ સુધીના આંકડા કહે છે કે કોર્પોરેટ ટેકસ કલેકશન અંદાજે રૂા.8.18 લાખ કરોડ, પર્સનલ ઈન્કમટેકસ કલેકશન રૂા.7.52 લાખ કરોડ થશે.
► જો કે આડકતરા કરવેરાની આવક ખોટ સરભર કરી દે તેવા સંકેત: સરકારને 2022-23ના વર્ષમાં રૂા.30.43 લાખ કરોડની કરવેરા આવક થવાનો સંકેત: બજેટ લક્ષ્યાંક કરતા 17 ટકાનો વધારો
સૂત્રોના જણાવ્યા મુજબ ડાયરેકટ ટેકસ કલેકશનમાં જે ઘટાડો થશે તે ઈનડાયરેકટ ટેકસ કલેકશન ભરપાઈ કરી દેશે. સરકારની આડકતરા કરવેરાની આવક સેન્ટ્રલ જીએસટીની રૂા.8.54 લાખ કરોડનો અંદાજ મુકાયો છે અને એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં તે રૂા.6.58 લાખ કરોડ નોંધાઈ છે. જયારે કસ્ટમ અને એકસાઈઝની આવક ફેબ્રુઆરી સુધીમાં રૂા.1.89 લાખ કરોડ કસ્ટમમાંથી અને રૂા.2.70 લાખ કરોડ એકસાઈઝમાંથી પ્રાપ્ત થયા છે. સરકારની અન્ય કેપીટલ ઈન્કમ અને અન્ય આડકતરી આવક પણ જળવાઈ રહેશે. સરકારને તેની વિવિધ કંપનીઓમાં રોકાણ બદલ ડિવિડન્ડ પેટેની આવક પણ યથાવત રહેશે તેવું મનાય છે.