મુંબઈ તા.1 : અદાણી ગ્રુપ સામે અમેરિકાની શોર્ટ સેલર કંપની હિડનબર્ગે વિદેશમાં બેનામી રોકાણ અને જંગી નાણા ટ્રાન્સફર કર્યા હોવાના ધડાકા બાદ આ ગ્રુપ માટે હવે મુશ્કેલી વધતી જાય છે અને પ્રથમ વખત સીકયુરીટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયાએ સંકેત આપ્યો છે કે તે અદાણી ગ્રુપની વિદેશી કરારો અને સોદાઓમાં સંભવિત ‘નિયમભંગ’ થયો હોવા અંગે તપાસ કરી રહી છે.
હિડનબર્ગે તો અદાણી ગ્રુપ પર જબરા આરોપ લગાવ્યા હતા. પરંતુ સેબીએ પ્રથમ વખત સંકેત આપ્યો છે કે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ જે વિદેશમાં સ્થપાઈ છે તેના સ્થાપક અદાણી ગ્રુપના કુટુંબ સાથે સંબંધ ધરાવે છે અને તેના વિદેશી કરારો તથા જે કાંઈ મિલ્કતો એકત્ર કરી છે તે અંગે તપાસ કરી રહી છે. અદાણી ગ્રુપના બોસ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી એ આ ત્રણ વિદેશી કંપનીઓના લાભાર્થી હોવાનું માનવામાં આવે છે.
વિનોદ અદાણી એ દુબઈમાં રહે છે અને તે અદાણી ગ્રુપ સાથે જોડાણ ન ધરાવતા હોવાનું અગાઉ ગૌતમ અદાણી ગ્રુપે જાહેર કર્યુ હતું પરંતુ બાદમાં તબકકાવાર બંને વચ્ચેનો સંબંધ પણ સ્વીકારી લીધો હતો. હિડનબર્ગના રિપોર્ટના આધારે જ આ તપાસ થઈ રહી હોવાનું માનવામાં આવે છે. જેમાં તેણે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે તેના શેરનું મુલ્યાંકન બિનજરૂરી રીતે વધારીને વધાર્યુ છે ત્યારબાદ અદાણી ગ્રુપના શેરના ભાવમાં એકંદરે 100 બિલિયન ડોલરનો કડાકો થયો છે.