કેનેડાની બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ભારતીય સહિત 8 લોકોના ડૂબી જવાથી મોત

01 April 2023 02:20 PM
India World
  • કેનેડાની બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદે ઘુસતા ભારતીય સહિત 8 લોકોના ડૂબી જવાથી મોત

ખરાબ હવામાનના કારણે બોટ ડેમેજ થતા નદીમાં ડૂબી : મૃતકોમાં બે બાળકોનો સમાવેશ : આવી ઘટનાઓ નિવારવા પ્રયાસો થવા જોઇએ : કેનેડિયન પીએમ ટ્રુડો

કયુબેક (કેનેડા), તા. 1
અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરી રહેલા ભારતીય પરિવાર સહિત 8 લોકોના બોટ નદીમાં ડૂબી જતા મોત થયા હતા. કયુબેક-ઓન્ટારિયા નજીક સેન્ટ લોરેન્સ નદીમાં આ બોટ ડૂબી હતી. ખરાબ હવામાનના કારણે બોટ ડેમેજ થતા બોટ ડૂબી હોવાની આશંકા છે.

આ અંગેની વિગત મુજબ એક નાનીબોટમાં સવાર થઇને કેનેડાથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા આઠ લોકોના બોટ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. કેનેડિયન મીડિયાના રીપોર્ટ અનુસાર મૃતકોમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ થાય છે. કાતિલ ઠંડી અને ખરાબ હવામાનના કારણે બોટ ડેમેજ થતા ડૂબી ગઇ હતી.

ગુરૂવારે બપોરે આ દુર્ઘટના બની હતી. જેમાં શરૂઆતમાં 6 મૃતદેહો મળ્યા હતા. બાદમાં શુક્રવારે વધુ બે મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસનું માનવું છે કે આ દુર્ઘટનામાં હજુ એક વ્યકિત લાપતા છે. પોલીસ દ્વારા હજુ મૃતકોની ઓળખ જાહેર નથી થઇ. સ્થાનિક ફાયર ઓફિસરનું કહેવું છે કે મૃતકો જે બોટામાં સવાર હતા તે ખુબ જ નાની હતી તેમાં સાત-આઠ લોકો સવાર થઇ શકે તેમ નહોતા.

એકવાસેસન પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી અમેરિકામાં ગેરકાયદે ઘુસવાની 48 જેટલી ઘટનાઓ બહાર આવી છે, કેનેડરની બોર્ડર જોખમી રીતે ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરનારા મોટા ભાગના લોકો ભારતીય અથવા રોમાનિયન હોય છે. આ દુર્ઘટના પર કેનેડાના પીએમ ટ્રુડોએ પ્રતિક્રિયા આપી હતી કે આ પ્રકારની દુર્ઘટનાઓ નિવારવા આપણે પ્રયાસ કરવા જોઇએ.


Related News

Advertisement
Advertisement