મોબાઈલના નિરંકુશ ઉપયોગથી મોબાઈલનો શોધક જ દુ:ખી

01 April 2023 02:46 PM
India
  • મોબાઈલના નિરંકુશ ઉપયોગથી મોબાઈલનો શોધક જ દુ:ખી

1972માં મોબાઈલની શોધ કરનાર 94 વર્ષીય મેર્ટી કુપર કહે છે મોબાઈલ ફોનની સ્ક્રીન પર લોકો જરૂરતથી વધુ સમય વીતાવે છે, આથી શારીરિક, માનસિક પરેશાની થઈ શકે છે

નવી દિલ્હી, તા.1
આજે હાથની મુઠ્ઠીમાં સમાઈ જતા ટચુકડા મોબાઈલના નશામાં માનવ સમાજ એટલી હદે કેદ થઈ ગયો છે કે તેને રિયલ વર્લ્ડમાં રસ નથી રહ્યો. સમાજ દ્વારા મોબાઈલના વધુ પડતા ઉપયોગથી 50 વર્ષ પહેલા મોબાઈલની શોધ કરનાર મેર્ટી કુપર દુ:ખી છે, તેમનું કહેવું છે કે લોકો મોબાઈલ ફોન સાથે જરૂરથી વધુ સમય વીતાવે છે.

હાલ 94 વર્ષના કુપરે 1972માં આ સાધનની ખોજ કરી હતી. તેને એક એવા ફોન બનાવવાનો વિચાર આવ્યો હતો કે જેનો કયાંય પણ ઉપયોગ થઈ શકે. પહેલો મોબાઈલ એક કિલો વજનનો તેમણે બનાવ્યો હતો.

કુપરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ખૂબ ભયાનક છે. ઘણા લોકો રસ્તો પાર કરતી વખતે પણ મોબાઈલની સ્ક્રીનમાંથી નજર નથી હટાવતા. આજના સમયમાં હજારો એપ આવી ગઈ છે. મને ખબર નથી કે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. કદાચ હું મારા પૌત્રો કે દોહિત્રો પાસે મોબાઈલનો વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખી પણ ન શકે.

તેમણે જણાવ્યું હતું કે, સ્ક્રીન પર વધુ સમય વીતાવવાથી માનસિક પરેશાની અને શારીરિક બિમારી થઈ શકે છે. હું ખુદ પણ મોબાઈલનો ઉપયોગ બહુ ઓછો કરું છું. આખા દિવસમાં હું થોડી મીનીટ જ મોબાઈલ પર વીતાવું છું.

જો કે કુપરે આશા વ્યક્ત કરી હતી કે દરેક પેઢી આગલી પેઢીથી વધુ સમજદાર હોય છે. આશા છે કે આવનારી પેઢી મોબાઈલનો ખરો ઉપયોગ શીખકી લેશે. આપણે હજુ એ સમજવાનું શરૂ કરી રહ્યા છીએ કે મોબાઈલ ફોન શું શું કરી શકે છે.


Related News

Advertisement
Advertisement