◙ હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલમાં, ફેફસા એમજીએમ હોસ્પિટલ-ચેન્નાઈ અને બે કીડની તેમજ લીવરને અમદાવાદ સિવિલમાં મોકલાયા
◙ રાજકોટમાં 105મું અંગદાન થયું પરંતુ હૃદય, બે કિડની અને બન્ને ફેફસાનું દાન થયું હોય તેવી પહેલી ઘટના
રાજકોટ, તા.1
કોઈનું સ્વજન મૃત્યુ પામે એટલે તેના પરિવારજનો ઉપર આભ તૂટી પડતું હોય છે અને કોઈને કશી ભાન રહેતી હોતી નથી. આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે જો કોઈ પરિવાર તેના સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈને અન્ય લોકોને નવજીવન આપવા પ્રયાસ કરે એટલે તે કાર્યને બિરદાવવું જ પડે...આવો જ એક કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
ગઈકાલે જામનગર રોડ ઉપર બાઈક પર પસાર થઈ રહેલા 28 વર્ષીય નૈતિક જાજલ નામના યુવકને અકસ્માત નડતાં તેને તાત્કાલિક કૂવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તમામ પ્રકારના રિપોર્ટ તેમજ સારવાર કરવામાં આવ્યા બાદ નૈતિક બ્રેઈન ડેડ થયો હોવાનું નિદાન થતાં પરિવારજનો ભાંગી પડ્યા હતા. દુ:ખની આ ઘડીમાં પણ હિંમત હાર્યા વગર નૈતિકના માતા-પિતા તેમજ પરિવારજનોએ હતભાગીના તમામ અંગોનું દાન કરવા માટે તૈયારી દર્શાવતાં ફરજ પર રહેલા તબીબોએ તાત્કાલિક ઓપરેશનની તૈયારી શરૂ કરી દીધી હતી.
મોડીરાત સુધી ચાલેલી ઓપરેશન પ્રક્રિયા બાદ મૃતક નૈતિકના હૃદયને યુ.એન.મહેતા હોસ્પિટલ-અમદાવાદ, તેના બન્ને ફેફસાને એમજીએમ હોસ્પિટલ-ચેન્નાઈ અને તેની બન્ને કિડની તેમજ લીવરને સિવિલ હોસ્પિટલ-અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે. આટલા અંગ મળી જવાને કારણે પાંચ લોકોને નવજીવન મળશે.
આ અંગે ગોકુલ હોસ્પિટલના સિનિયર તબીબ ડૉ.તેજસ કરમટાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગઈકાલે નૈતિકનો અકસ્માત થતાં તેને ગોકુલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જો કે અહીં સારવાર દરમિયાન અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં એમઆરઆઈ, સ્લીપ એપ્નીયા સહિત સમાવિષ્ટ છે. આ ટેસ્ટ બાદ એવો ખુલાસો થયો હતો કે નૈતિકના મગજમાં જ ચેતના જ નથી ! આ પછી તબીબોએ નૈતિકને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
આ પછી નૈતિકના પિતા કે જે રાજકોટમાં પાનનો ગલ્લો ધરાવે છે તે તેમજ તેના માતા સહિતના પરિવારજનોને અંગદાન અંગે ઑર્ગન ડૉનેશન ફાઉન્ડેશન-રાજકોટના ડૉ.તેજસ કરમટા, ડૉ.દિવ્યેશ વિરોજા, ડૉ.સંકલ્પ વણઝારા ઉપરાંત સામાજિક કાર્યકર મીત્તલભાઈ ખેતાણી અને ભાવનાબેન મંડલી દ્વારા સમજાવટ કરવામાં આવતાં તેમણે તુરંત જ અંગદાન માટે સહમતિ આપતાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. નૈતિકના દાન થનારા તમામ અંગો ફિટ હોવાથી તેને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ અને ચેન્નાઈ મોકલવામાં આવશે.
ડૉ.તેજસ કરમટાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજકોટની અંદર 104 અંગોનું દાન થયું છે પરંતુ તમામ અંગો જેમાં લીવર કીડન, ફેફસા, હૃદય સહિતનું દાન થયું હોય તેવું આ પ્રથમ અંગદાન છે. આ સાથે જ રાજકોટમાં 105મું અંગદાન થયું છે સાથે સાથે તબીબો તેમજ સામાજિક કાર્યકરોની અંગદાન પ્રત્યેની ઝુંબેશ પણ રંગ લાવી રહી છે જેના કારણે અંગોની જરૂરિયાત ધરાવતાં લોકોને નવજીવન મળી રહ્યું છે.