રાજકોટ તા.1 : રાજકોટમાં આવકવેરા દરોડાની ઝપટે ચડી ચુકેલા ટોચના બિલ્ડર એવા આર.કે.ગ્રુપના પ્રોજેકટોમાં વ્યવહારો કરનારા લોકોને શોકોઝ નોટીસ આપવામાં આવ્યા બાદ હવે ઈન્કમટેકસ એક ડગલુ આગળ વધ્યુ છે અને હવે કેસ રીઓપન કરવાની નોટીસ ફટકારી છે. આ પ્રક્રિયા અંતર્ગત નોટીસ મેળવનારા તમામ લોકોના રીટર્નનું એસેસમેન્ટ કરવામાં આવે છે અને કોઈ ટેકસ ચોરી કરવામાં આવી છે કે કેમ તેની ચકાસણી થાય છે. આવકવેરા ખાતાના માહિતગાર સૂત્રોએ કહ્યું કે માર્ચના આરંભે ટોચના બિલ્ડર આર.કે. ગ્રુપ સાથે લેતી-દેતી કરનારા તથા પ્રોજેકટોમાં ખરીદી કરનારા લોકોને કેસ રીઓપન કેમ ન કરવો તેવા પ્રકારની શોકોઝ નોટીસ આપવામાં આવી હતી અને જવાબ માંગવામાં આવ્યો હતો.
હવે નાણાકીય વર્ષના છેલ્લા દિવસોમાં ઈન્કમટેકસ દ્વારા કેસ રીઓપન કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. કેસ રી-ઓપન અંતર્ગત નોટીસ મેળવનારા તમામ કરદાતાઓએ નવેસરથી રીટર્ન ફાઈલ કરવાના થાય છે અને તેમાં વ્યવહારને લગતા સુધારા કરી શકે છે. રીટર્ન ફાઈલ થયા બાદ ઈન્કમટેકસ એસેસમેન્ટ કરે છે. આવક-ટેકસ છુપાવવામાં આવ્યો છે કે કેમ તેની ચકાસણીના આધારે આખરી ઓર્ડર થાય છે. સૂત્રોએ એમ કહ્યું કે આ પ્રક્રિયા ગઈકાલે પુર્ણ થયેલા નાણાવર્ષમાં જ કરવાની જરૂરી હતી એટલે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જ ઢગલાબંધ નોટીસો ઈસ્યુ થઈ છે.શોકોઝ નોટીસો દેવાની બાકી રહી ગઈ હોય તેવા કેટલાકને સીધી જ રી-ઓપનની નોટીસ ફટકારાઈ છે. કરવેરા નિષ્ણાંતોએ એમ કહ્યુ કે 31 માર્ચ સુધીમાં નોટીસ પ્રક્રિયા ન થાય
તો ‘ઈનવેલીડ’ થઈ જાય તેમ હોવાથી છેલ્લા દિવસોમાં જ ઢગલો કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ઈન્કમટેકસના ઈન્વેસ્ટીગેશન દ્વારા ગત ઓગષ્ટ 2021માં આર.કે. ગ્રુપ પર મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. 40 સ્થળોએ દરોડા કાર્યવાહી દરમ્યાન અંદાજીત 500 કરોડના વ્યવહારો રોકડના ધોરણે થયાનો ખુલાસો થયો હતો તેમાંથી 350 કરોડ પ્રોપર્ટી વેચાણ પેટે રોકડ સ્વીકારાયાનું બહાર આવ્યુ હતું. આ પ્રકરણની તપાસ આગળ ધપાવીને બિલ્ડરના પ્રોજેકટોમાં ઓફીસ-આવાસ ખરીદનારાઓને નોટીસ આપવામાં આવી છે. ગ્રુપ દ્વારા 154 કરોડની જમીનની ખરીદી થયાનું અને તેમાંથી 144 કરોડ રોકડમાં ચુકવાયાનુ બહાર આવ્યુ હોવાથી તેમાં પણ તપાસ આગળ વધારવામાં આવી હતી.
કેસ રી-ઓપનની પ્રક્રિયા કેવી હોય છે?
કરવેરા નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આવકવેરા દ્વારા કેસ રી-ઓપનની નોટીસો ફટકારવામાં આવે ત્યારે પ્રક્રિયા નિશ્ર્ચિત હોય છે. નોટીસ મેળવનારા કરદાતાને નવેસરથી રીટર્ન ભરવાનુ થાય છે તેમાં અગાઉના રીટર્નમાં ફેરફાર કરી શકે છે. ત્યારબાદ રીટર્નનુ એસેસમેન્ટ કરવામાં આવે છે. જે નાણાકીય વ્યવહાર માટે નોટીસ ફટકારવામાં આવી હોય તે યોગ્ય છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ થાય છે. શંકા જવાના સંજોગોમાં દસ્તાવેજી પુરાવા માંગવામાં આવે છે. સમગ્ર વ્યવહારમાં આવક છુપાવવાનું કે ટેકસ ચોરી થયાનુ માલુમ પડવાના સંજોગોમાં ટેકસ રિકવરીના ઓર્ડર કાઢવામાં આવે છે. આવકવેરામાં એસેસમેન્ટ કાર્યવાહી હવે ઓનલાઈન અને ફેસલેસ રહે છે એટલે એકાદ વર્ષ પ્રક્રિયા ચાલે તો પણ કરદાતા છટકી શકતો નથી.