રાજકોટ, તા. 1
રાજકોટ સહિત રાજયના 109 આઇએએસ અધિકારીઓની બદલીના રાજય સરકારે કાઢેલા લીથાના રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુની યુજીવીસીએલના એમડી તરીકે તેમજ એડીશ્નલ કલેકટર કેતન ઠકકરની પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકાતા તેઓ હવે બે દિવસમાં જ (સંભવત સોમવારે) ચાર્જ છોડી નવી જગ્યા પર હાજર થનાર હોવાનું જાણવા મળ્યું છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ પોણા બે વર્ષ સુધી આ મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી છે. આવી જ રીતે કેતન ઠકકરે પણ દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી રાજકોટ એડીશ્નલ કલેકટરની જવાબદારી અદા કરી છે.
એડીશ્નલ કલેકટર કેતન ઠકકરની પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવતા તેઓની હાલની જગ્યા ખાલી રાખવામં આવી છે. જોકે રાજય સરકાર દ્વારા અઠવાડીયા દરમિયાન જ આ જગ્યા પર નવા અધિકારીની નિમણુંક કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જયારે અરૂણ મહેશ બાબુની જગ્યા પર રાજકોટ જિલ્લા કલેકટર તરીકે મુકાયેલા પ્રભવ જોશી અગાઉ પ્રાંત અધિકારી તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવી ચુકેલ છે. નવા કલેકટર પ્રભવ જોશી સામે હિરાસર એરપોર્ટ, એઇમ્સ અને જનાના હોસ્પિટલના પ્રોજેકટ સમયમર્યાદામાં પૂર્ણ કરવા તે મોટો પડકાર રહેશેે.
હવે ડે.કલેકટરોના પ્રમોશન-બદલીનો ઘાણવો
17 જેટલા અધિકારીઓને અપાશે પ્રમોશન : ખાલી જગ્યાઓ પુરવા માટે વહીવટી તંત્ર દ્વારા લીથો તૈયાર
રાજય સરકાર દ્વારા 109 આઇએએસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ડે.કલેકટરોના પ્રમોશન અને બદલીનો ધાણવો પણ તૈયાર કરી દેવામાં આવેલ છે. આ ઓર્ડરો ટુંક સમયમાં જ કાઢવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં સિનીયોરીટીમાં આગળ રહેલા 17 જેટલા જીએએસ કેડરના અધિકારીઓને અધિક કલેકટર તરીકે પ્રમોશન આપવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. હાલના રાજકોટના એડીશ્નલ કલેકટર કેતન ઠકકરને પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા બાદ તેમની જગ્યા પર તાબડતોબ નવી નિમણુંક કરી દેવામાં આવનાર છે. બદલીના ઓર્ડરોના બીજા લીસ્ટમાં આ પર સિનીયર અધિકારીની નિમણુંક કરી દેવામાં આવનાર છે.