રાજકોટ, તા.1
ક્રિકેટરસિકોનો ‘તહેવાર’ ગણાતા આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ મેચમાં જ હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સે મહેન્દ્રસિંહ ધોનીની ધરખમ ચેન્નાઈ સુપરકિંગ્સને પરાજિત કરી દીધી છે. બીજી બાજુ ટૂર્નામેન્ટ શરૂ થતાં જ બુકીઓ સટ્ટો રમાડી લેવા તો પંટરો સટ્ટો રમી લેવા માટે મેદાને ઉતરી પડ્યા છે.
દરમિયાન રાજકોટમાં મોબાઈલ તેમજ છાનેખૂણે બેસીને ટેલિફોન પર સટ્ટો લેતાં બુકીઓ તેમજ તેની પાસે જુગાર ખેલતાં પંટરો ઉપર પોલીસની ખાસ વૉચ હોવાથી આઈપીએલ શરૂ થતાં જ એક પંટરને જાહેરમાં જુગાર રમતાં પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને ટીમે યાજ્ઞિક રોડ ઉપરથી એક મજૂરને મોબાઈલમાં જુગાર રમવા માટેનું આઈડી મેળવી તેના ઉપર સટ્ટો રમતા પકડી લઈને બે નામચીન બુકીના નામ ખોલ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ એમ.જે.હુણ, એએસઆઈ ઘનશ્યામ મેણિયા, હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રાવત, મયુર પટેલ, કિરતસિંહ ઝાલા, નગીનભાઈ ડાંગર, કુલદીપસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા સહિતે યાજ્ઞિક રોડ પર ઓપ્શન શો-રૂમ પાસેથી મોબાઈલમાં શંકાસ્પદ રીતે હલચલ કરી રહેલા કૌશિક વજુભાઈ દવે (રહે.કોઠારિયા રોડ)ની અટકાયત કરી તેના ફોનની તલાશી લેતાં તેમાંથી બેટબોલ999 ડૉટ કોમ નામનું આઈડી મળી આવ્યું હતું. આ આઈડી ઉપર કૌશિક ન્યુઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે રમાતી વન-ડે મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. આ ઉપરાંત તેણે એ જ આઈડીમાં કસીનો, તીનપત્તી વગેરે ગેમ ઉપર પણ ઓનલાઈન જુગાર રમ્યો હોવાનું ધ્યાન પર આવતાં કૌશિકની ધરપકડ કરવામાં આવી હતી.
કૌશિકની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તેણે જુગાર રમવા માટેનું આ આઈડી નામચીન બુકી હર્ષદ ચંદારાણા તેમજ દીપુ વાંકાનેર પાસેથી લીધું હોવાની કબૂલાત આપતાં પોલીસે આ બન્ને બુકીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલો કૌશિક પોતે મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું છે. તે ઘણા સમયથી હર્ષદ સહિતના બુકીઓ પાસેથી આઈડી મેળવીને જુગાર રમતો હોવાની કબૂલાત આપતાં પોલીસે બન્ને બુકીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આઈડીમાં હારી જાય એટલે ઉધાર-ઉછીના કરીને ચૂકવણું કરતો
ક્રાઈમ બ્રાન્ચને હાથે સટ્ટો રમતા પકડાયેલો કૌશિક વજુભાઈ દવેએ એવી કબૂલાત આપી હતી કે તે ઘણા સમયથી આ પ્રકારે જુગાર રમી રહ્યો છે. જ્યારે જ્યારે તે આઈડી પર જુગાર રમતી વખતે હારી જાય એટલે હારેલી રકમનું ચૂકવણું તે કોઈને કોઈ પાસેથી ઉધાર-ઉછીના કરીને કરતો હતો. અત્યાર સુધી તેણે આ રીતે જ પોતાનું ગાડું ગબડાવ્યે રાખ્યું હતું પરંતુ સટ્ટો રમવાની પોતાની આદત છોડાવી શક્યો નહોતો. આ ઉપરાંત તે છૂટક મજૂરીકામ કરતો હોવાથી ત્યાંથી પણ જે આવક થતી તે બધી સટ્ટામાં લગાવી દેતો હતો.