► વાયરલ થયેલા વીડિયોમાં પૈસા ફેંકાઈ રહેલા દેખાય છે, ફેંકી કોણ રહ્યું છે તેનો ખુલાસો હજુ સુધી નથી થયો
જ્વરીમલ બિશ્નોઇ ના ભાઈ સંજય બિશ્નોઇ એ એમ પણ જણાવ્યું કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં મારા ભાઈ જ્યાં રહેતા હતા તે એપાર્ટમેન્ટમાં પૈસા ભરેલી બેગ જોવા મળી રહી છે અને તે બેગને ઉઠાવી રહેલી વ્યક્તિ દેખાઈ રહી છે જેની ઓળખ કરવામાં આવી નથી. મહત્ત્વની વાત એ છે કે પૈસા ભરેલી આ બેગ કોણ ફેંકી રહ્યું છે તેનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી તેથી તેની સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી બની જાય છે.
રાજકોટ, તા.1
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના જોઈન્ટ ડાયરેક્ટર જ્વરીમલ બિશ્નોઇ એ આપઘાત કરી લીધાની ઘટનાને આજે એક સપ્તાહ વીતી ગયું છે છતાં હજુ સુધી આ મામલે કોઈ જ પ્રકારનો મહત્ત્વપૂર્ણ ખુલાસો સીબીઆઈ તરફથી સત્તાવાર રીતે કરવામાં આવ્યો નથી. જો કે આટલા દિવસમાં મૃતકના પરિવારજનો દ્વારા સીબીઆઈ ઉપર અનેક પ્રકારના ચોંકાવનારા કહી શકાય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે જેનો જવાબ પણ હજુ સુધી આપવામાં આવ્યો છે.
દરમિયાન મૃતક જ્વરીમલ બિશ્નોઇ ની રાજસ્થાનમાં અંતિમક્રિયા કર્યા બાદ તેના ભાઈ સંજય બિશ્નોઇ સહિતના આજે રાજકોટ આવી પહોંચ્યા હતા અને પત્રકારો સમક્ષ તેની પાસે સીબીઆઈ દ્વારા કેવું ટોર્ચર કરવામાં આવ્યું છે તેના પૂરાવા હોવાનો દાવો કરવાની સાથે જ આ ઘટનામાં ફરિયાદી જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે મૃતક જ્વરીમલ બિશ્નોઇ ના ભાઈ સંજય બિશ્નોઇ એ પત્રકારો સમક્ષ જણાવ્યું કે મારા ભાઈ જ્વરીમલના અંતિમ સંસ્કાર રાજસ્થાનમાં કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી સીબીઆઈ કે ડીજીએફટી તરફથી ન તો અમારો સંપર્ક કરવામાં આવ્યો કે ન તો અમારા પરિવારની એક પણ વ્યક્તિનું નિવેદન નોંધવામાં આવ્યું...સીબીઆઈ દ્વારા દરરોજ મારા ભાઈને લઈને તરેહ-તરેહની વાતો લીક કરવામાં આવી રહી છે
જે બિલકુલ વ્યાજબી નથી. બીજી બાજુ મારા ભાઈએ જેની પાસે લાંચ લીધી અને સીબીઆઈના હાથે પકડાઈ ગયા ત્યારે લાંચ લેવા અંગેની ફરિયાદ કરનાર કંપની જ શંકાના ઘેરામાં હોવાનું સંજય બિશ્નોઇ એ કહ્યું હતું. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે ફરિયાદી કંપની કેવા પ્રકારની વસ્તુ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરે છે તેનો ખુલાસો કરવામાં આવે તો મોટો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે.
મૃતક જ્વરીમલના પુત્ર આદિત્ય બિશ્નોઇ એ સીબીઆઈ દ્વારા તેને અને તેના પરિવારના અન્ય લોકોને ટોર્ચર કરવામાં આવ્યા હોવા અંગે સંજય બિશ્નોઇ એ કહ્યું કે આ અંગેનું તમામ પ્રકારનું રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે અને તે ડીસીપી કક્ષાના અધિકારીને આપવા માટે અમારી પૂરતી તૈયારી છે. બીજી બાજુ સંજય બિશ્નોઇ એ એમ પણ કહ્યું કે મારા તેમજ જ્વરીમલના પરિવાર ઉપર જાનનું જોખમ રહેલું હોવાથી અમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. સીબીઆઈ દ્વારા જ મારા ભત્રીજા અને ભાભી તેમજ ભત્રીજીને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યા હોવાનું તેમજ દારૂ અને ગાંજો, પૈસાની બેગ તેઓ સાથે જ લાવીને જબદરસ્તીથી તેને થોપાવવા માટેનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ સંજયે કર્યો હતો.
સંજય બિશ્નોઇ એ આગળ એમ પણ જણાવ્યું કે મેં સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના વકીલ પાસેથી સલાહ લીધી છે જે પ્રમાણે સીબીઆઈની કસ્ટડીમાં થયેલું મોત હત્યા જ ગણાતું હોવાથી આ કેસમાં હત્યાની કલમો હેઠળ જવાબદારો સામે ગુનો નોંધાવો જોઈએ. આ અંગે મેં ડીજીએફટીના ડાયરેક્ટર જનરલ, કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી તેમજ સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટરને પણ પત્ર લખ્યો છે.