રાજકોટ,તા.1
રાજકોટમાં ફરી રીક્ષા ગેંગ સક્રિય બની છે.શાપરના બે મિત્રોને બિહાર જવુ હોય માટે તેઓ ગોંડલ ચોકડીથી રિક્ષામાં બેઠા બાદ ગેંગે બંને ને અવાવરું જગ્યાએ અંધારામાં લઈ જઇ છરીના ઘા ઝીંકી દીધા બાદ રોકડ અને માલમતાની લૂંટ ચલાવી હતી.ઘવાયેલા બંને હેમખેમ હોસ્પિટલે સારવાર અર્થે પહોંચ્યા હતા.આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો બનાવ,શાપરમાં મહેન્દ્ર ગેઇટમાં આવેલા એક કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ બિહારના વતની શ્રીરામ સેવકરામ કુશવાહા(ઉ.વ.30) અને પ્રવીણ શ્રીરામ સેવક(ઉ.વ.32) બંનેને બિહાર જવું હોય શાપરથી રેલવે જંકશન જવા માટે એક રીક્ષામાં બેઠા ત્યાંથી રીક્ષા ચાલકે બન્નેનું 120 રૂપિયા ભાડું કીધું હતું અને બાદમાં તે રીક્ષા ચાલક ગોંડલ ચોકડી સુધી તેમને લઈ ગયો હતો અને ત્યાંથી બીજી રીક્ષામાં બેસી જવાનું કહ્યું હતું બાદમાં તે રીક્ષામાં બેસી ગયા હતા.
બીજી રીક્ષામાં પહેલેથી જ બે શખ્સ બેઠા હતા તેઓ ગુજરાતી બોલતા હતા અને થોડીવાર બાદ ચાલકે રીક્ષા ચાલુ કરી કોઈ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો તેને બન્ને મિત્રએ પૂછ્યું કે રેલવે જંકશન ક્યારે આવશે એટલે ચાલકે કહ્યું કે 10 મિનિટમાં આવી જશે બાદમાં અંધારામાં અવાવરું જગ્યાએ લઈ જઈ બંનેને નીચે ઉતાર્યા હતા અને છરી ઝીંકી દીધી હતી.
ત્યારબાદ રીક્ષામાં બેઠેલા ચાલક સહિત ત્રણેય શખ્સોએ તમારી પાસે જે હોઈ તે આપી દો નહીં તો જાનથી મારી નાખીશું કહી છરી લઈ તૂટી પડયા હતા અને અમારી પાસે રહેલી રોકડ અને મોબાઈલ સહિતનો સમાન લઈ અમોને ત્યાંજ મૂકી પલાયન થઈ ગયા હતા. બાદમાં બન્ને લોકો હેમખેમ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં પહોંચ્યા હતા.આ બનાવમાં હોસ્પિટલના સ્ટાફે એન્ટ્રી નોંધી રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે રીક્ષા ગેંગને પકડી લેવા કવાયત આદરી છે.