રાજકોટ,તા.1
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.09/04/2023ના રોજ જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા રાજકોટ જિલ્લામાં યોજાનાર છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના કામદાર કોલેજ, હરિપર પાળ સ.નં.-16, પોદાર સ્કુલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ પરીક્ષા કેન્દ્રો તેમજ ડો.આર.ડી. ગાર્ડી શૈક્ષણીક સંકુલ, જામનગર રોડ, ગાર્ડન ડીનર કલબ પાસે ન્યારા, તા. પડધરી તથા રાજકોટ શહેર વિસ્તારની વિવિધ શાળાનાં બિલ્ડીંગોમાં યોજાનાર આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને પરીક્ષામાં થતી ગેરરીતિ અટકે, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે, અધિક નિવાસી કલેકટર કે.બી.ઠક્કરે પરીક્ષા કેન્દ્રોના કમ્પાઉન્ડમાં તેમજ તેની આસપાસનાં 100 મીટર (એકસો મીટર)નાં વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓના એકત્રિત થવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા કે લાવવા પર, ચાર કે તેથી વધારે માણસોના ભેગા થવા તેમજ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં સાહિત્ય, પુસ્તક, ગાઇડ, મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકયો છે.
આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ તેમજ સરકારી કર્મચારીઓ, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/એસ.આર.પી./હોમગાર્ડના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. અન્યો સામે હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.