આવતા સપ્તાહમાં IAS બદલીનો વધુ એક ઘાણવો નીકળશે: પછી IPSનો વારો

01 April 2023 05:18 PM
Rajkot
  • આવતા સપ્તાહમાં IAS બદલીનો વધુ એક ઘાણવો નીકળશે: પછી IPSનો વારો

રાજકોટ,તા.1
રાજયના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારો અંતર્ગત 109 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હજુ પ્રમોશન મેળવનારા સહિત કેટલાંક ઓર્ડર બાકી રહી ગયા હોવાથી આવતા સપ્તાહમાં વધુ એક ઘાણવો નિકળવાની શકયતા છે.

રાજય સરકારના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે, કેટલાક અધિકારીઓના પોસ્ટીંગ વિશે છેલ્લી ઘડી સુધી નિર્ણય ન લઈ શકાતા તેઓના નામો પેન્ડીંગ રાખવામાં આવ્યા છે અને આવતા પાંચ-સાત દિવસમાં નિર્ણય થઈ જવા સાથે ટ્રાન્સફરના વધુ કેટલાંક ઓર્ડર ઈસ્યુ થવાની સંભાવના છે.

રાજય સરકાર વહીવટીતંત્રમાં બદલાવ-બદલી માટે વિધાનસભાના બજેટ સત્રની પ્રતિક્ષામાં જ હતી. ગત બુધવારે સત્ર સમાપ્ત થયા બાદ તુર્ત જ બદલી પ્રક્રિયાને આખરી ઓપ આપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી હતી. આવતા વર્ષમાં લોકસભા ચૂંટણી સહિતના પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ મનાય છે.

109 આઈએએસની સામુહિક બદલી જાહેર કરવામાં આવી હોવા છતાં હજુ અનેક નામો બાકી રહી ગયા છે. કેટલાક અધિકારીઓને નવા વિભાગ સોંપાવા છતાં અન્ય વિભાગના વધારાના હવાલા પણ અપાયા છે. તાજેતરમાં પ્રમોશન મેળવનારા કેટલાંક અધિકારીઓના નામો પણ નવા લીસ્ટમાં આવી શકે છે.

સૂત્રોએ ઉમેર્યુ કે, આઈએએસ સ્તરે નિર્ધારિત ફેરફારો થઈ ગયા બાદ આઈપીએસની બદલીનો ઘાણવો નીકળશે તેમાં પણ લોકસભા ચૂંટણી જેવા મુદ્દાઓને ફોકસમાં રખાય તે સ્પષ્ટ છે.


Related News

Advertisement
Advertisement