હવે ટુંક સમયમાં કેદારનાથનું શિખર સુવર્ણ કળશથી ઝળહળશે

18 May 2023 11:51 AM
India Top News Travel
  • હવે ટુંક સમયમાં કેદારનાથનું શિખર સુવર્ણ કળશથી ઝળહળશે

5થી7 કિલો સોનામાંથી કળશ બનશે: ત્રણ દાતાઓએ સુવર્ણદાનની તૈયારી બતાવી

દહેરાદૂન તા.18 : કેદારનાથ મંદિરમાં આંતરિક દીવાલો સોનાથી મઢાયા બાદ હવે કેદારનાથ મંદિરનું શિખર પણ સોનાના કળશથી ટુંક સમયથી શોભી ઉઠશે. સોનાના કળશના દાન માટે દિલ્હી અને મહારાષ્ટ્રના ત્રણ દાતાઓએ દાનની ઈચ્છા બદરી કેદાર ટેમ્પલ કમીટી સમક્ષ વ્યકત કરી છે.

આ સુવર્ણ કળશ 5થી7 કિલો સોનામાંથી 6થી7 ફુટનો મંદિરના શિખરે બનશે. હાલ મંદિરની બહાર જે કલશ છે તે અષ્ટ ધાતુમાંથી બનાવાયો છે અને ઉપરના પડને સોનાથી મઢવામાં આવ્યું છે, જયારે નવો કળશ સંપૂર્ણપણે સોનામાંથી બનશે. આ બાબતને સમર્થન આપતા બીકેટીસી ચેરમેન અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે આ મુદે અમે ચર્ચા કરી છે અને પેપર વર્ક કરવા જઈ રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આજથી 28થી30 વર્ષ પહેલા કેદારનાથ મંદિરમાં સોનાનો કળશ મુકાયો હતો પણ તે ક્ષતિગ્રસ્ત થયો હતો.

ઉલ્લેખનીય છે કે મંદિરોને, તેના શિખરોને સુવર્ણથી મઢવાની પરંપરા ઘણી જુની છે. ઈતિહાસ એ બાબતનો સાક્ષી છે કે સોમનાથ મંદિર પણ સુવર્ણથી મઢાયેલું હતું. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈએ સોમનાથ મંદિરનું પુન: નિર્માણ કરાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સોમનાથ મહાદેવના ગર્ભગૃહને સોનાથી મઢવામાં આવ્યું છે. કેદારનાથની દીવાલો પણ સુવર્ણથી મઢવામાં આવી છે જેને લઈને ત્યાં સુરક્ષાની સઘન વ્યવસ્થા પણ છે. હવે કેદારનાથનું શિખર સુવર્ણ કળશથી શોભી ઉઠશે.


Related News

Advertisement
Advertisement