► યોગ્ય અભિપ્રાય- ડેટા વગર જ તબીબી કે હોસ્પીટલની બેદરકારી મુદે કરાતા કેસમાં નિરીક્ષણ વ્યક્ત કરતું ગુજરાત ગ્રાહક ફોરમ: કેસ ફગાવશે
વડોદરા: ગુજરાત સહિત દેશમાં ગ્રાહક સુરક્ષા સંગઠન ચલાવતા વ્યક્તિઓ તથા એન.જી.ઓ.ને તેના કાર્યક્ષેત્રની મર્યાદા સમજાવતા ગુજરાત સ્ટેટ ક્ધઝયુમર્સ ફોરમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રકારની સંસ્થામાં તબીબો કે હોસ્પીટલોને પરેશાન કરી શકે નહી. સ્વૈચ્છીક સંગઠન તરીકે ચાલતા ગ્રાહક અધિકાર સંસ્થાઓની ભૂમિકા ગ્રાહકોને તેના હકક પ્રત્યે જાગૃત કરવાની છે પણ તે આ સંસ્થાનો ઝંડો લઈને તબીબો, હોસ્પીટલો કે પછી કોઈપણ પ્રોફેશનલ કે દુકાનદારોને પરેશાન કરી શકે નહી.
વડોદરામાં ‘જાગૃત નાગરીક’ નામની એક ગ્રાહક અધિકાર સંગઠન દ્વારા શહેરની એક હોસ્પીટલની સામે દાખલ કરેલા કેસની સુનાવણી સમયે રાજય ફોરમે આ નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું. ધર્મેશ પુરાણી નામના એક વ્યક્તિએ વડોદરાથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પીટલમાં કીડની ટ્રાન્સપ્લાંટ ઓપરેશન કરાયુ હતું. જે નિષ્ફળ જતા તેણે ગ્રાહક ફોરમમાં હોસ્પીટલો તથા તબીબો અને વિમા કંપની સામે 2014માં કેસ દાખલ કર્યો હતો જે કીડનીની બિમારી માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં દાખલ હતા જયાં તેઓનું ડાયાલીસીસ થયું હતું અને તેના પિતાનું બ્લડગ્રુપ તથા અન્ય સરળતા જણાતા વડોદરાથી ભાઈલાલ અમીન જનરલ હોસ્પીટલમાં કીડની ટ્રાન્સપ્લાંટ ઓપરેશન કરાયું હતું.
જો કે ઓપરેશન નિષ્ફળ જતા તેની એ કીડની પણ કાઢી નાખવી પડી હતી અને તેઓએ હોસ્પીટલ ખાતે રૂા.88.81 લાખનો દાવો કર્યો હતો. જો કે આ દાવામાં જાગૃત નાગરિક સંગઠને કોઈ યોગ્ય ડેટા કે માહિતી વગર જ કોઈ ‘કહેવાતા’ નિષ્ણાંતની મદદથી કેસ ઉભો કર્યો હોવાનું ખુલતા ફોરમે એક તરફ સમગ્ર ઓપરેશન અને પછીની સારવારમાં હોસ્પીટલ અને તબીબોની બેકાળજીનો મુદો ફગાવ્યો હતો તો બીજી તરફ આ પ્રકારે કોઈ યોગ્ય ભૂમિકા વગર હોસ્પીટલ તથા તબીબોને પરેશાન કરવા બદલ જાગૃત નાગરિક સંગઠનની ટીકા કરી હતી.