મુંબઈ તા.19
ચાલુ ઉડ્ડયને વિમાની પ્રવાસી દ્વારા સતત વધતા જતા બેજવાબદાર અને ગેરવર્તનમાં આજે અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એરઈન્ડીયાની ફલાઈટમાં જબરો હંગામો સર્જાયો હતો. આ વિમાની સફર દરમ્યાન એક મુસાફર પર ઓચિંતો જ પેનીક એટેક આવ્યો હતો એટલે કે તે ખુદ બેકાબુ થઈ ગયો હતો અને તેણે ચાલુ ફલાઈટે જબરો હંગામો કર્યો,
એટલું જ નહી આ યાત્રીકે સાથે પ્રવાસ કરી રહેલી તેની પત્નીની ગળુ દબાવવા કોશિશ કરી હતી પરંતુ ક્રુ મેમ્બર અને અન્ય પ્રવાસીઓએ તુર્ત જ તેને કાબુમાં લઈ લીધો હતો અને મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તુર્ત જ તેને નજીકની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. બિઝનેસ કલાસમાં સફર કરી રહેલા મુંબઈના જ એક બિઝનેસમેન તેના પત્ની સાથે નેવાર્કથી મુંબઈ પરત આવ્યો હતો અને ફલાઈટ રવાના થયા બાદ થોડીવારમાં તેણે હંગામો શરુ કરી દીધો અને ચીસો પાડવા લાગ્યો હતો.
તેની પત્ની અને અન્ય યાત્રીકોએ તેને સમજાવવા પ્રયત્ન કર્યો. જો કે તેણે છતાં પણ હંગામો ચાલુ રાખતા ફલાઈટમાં મોજૂદ તબીબે એક ઈન્જેકશન લગાવીને તેને બેહોશ કરી દીધો હતો અને બાદમાં તેને મુંબઈ એરપોર્ટ પર લેન્ડીંગ સમયે તુર્તજ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેની પત્નીએ કહ્યું કે તેના પતિને પેનીક એટેકની બિમારી છે અને થોડા દિવસથી દવા ન લીધી હોવાથી તેની આ સ્થિતિ બની છે.
વિમાનમાં પ્રવાસ કરી રહેલા એક યાત્રીક પ્રવિણ ટોનેસ્કરે ટવીટ કરીને આ ઘટનાની માહિતી આપી હતી અને કહ્યું કે વિમાની ક્રુ મેમ્બરે ખૂબજ સારી રીતે પરીસ્થિતિ હેન્ડલ કરી અને તબીબે પણ તેમને મદદ કરી હતી. એટલું જ નહી તેણે મુસાફરની પત્નીની પણ ચિંતા કરી હતી.