ગુજરાતમાં ત્રીજી આધુનિક ફુડ ટેસ્ટીંગ લેબ: રાજકોટના સેમ્પલના રિપોર્ટ હવે વ્હેલા આવશે

20 May 2023 10:08 AM
Vadodara Gujarat Rajkot
  • ગુજરાતમાં ત્રીજી આધુનિક ફુડ ટેસ્ટીંગ લેબ: રાજકોટના સેમ્પલના રિપોર્ટ હવે વ્હેલા આવશે

વડોદરાની નવી લેબનુ કાલે ઉદઘાટન: રાજકોટના ફુડ સેમ્પલ ટેસ્ટીંગ માટે વડોદરા જ મોકલાય છે

રાજકોટ,તા.20
રાજકોટ, ભુજ બાદ ગુજરાતમાં વધુ એક આધુનિક ફુડ ટેસ્ટીંગ લેબ નિર્માણ પામી છે. વડોદરામાં નિર્મિત આ લેબનું ઉદઘાટન આવતીકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે થશે. મહત્વની બાબત એ છે કે રાજકોટમાંથી લેવાતા ફુડ સેમ્પલ ટેસ્ટીંગ માટે વડોદરા મોકલવામાં આવતા હોય છે અને તેનો રિપોર્ટ આવતા બે-ત્રત્રણ માસ લાગી જાય છે. હવે આધુનિક લેબને પગલે રીપોર્ટનો સમયગાળો ઘટશે. રાજકોટમાં પણ આધુનિક લેબ છે પરંતુ બીજા જીલ્લાઓના સેમ્પલ તેમાં ચકાસાતા હોય છે.

વડોદરામાં રૂા.48 કરોડથી વધુની રકમના ખર્ચે નવનિર્મિત ખોરાક અને ઔષધ પ્રયોગશાળાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રવિવારે તારીખ 21 મે ના રોજ લોકાર્પણ કરશે. આ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધના નમુનાઓનું પૃથ્થકરણ કરવા સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળનો દરજજો પ્રાપ્ત થયેલ છે. રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં કાર્યરત બનશે. આમ હાલ રાજયના ફુડ એન્ડ ડ્રગ્સના લેબની સંખ્યા ત્રણ થશે.

વધુમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારના સુરત ખાતે નવી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નવીન પ્રયોગશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના થકી ખોરાક અને દવાના નમુનાની ચકાસણીમાં વધારો થશે તેમજ ચકાસણી સમયમાં પણ ઘટાડો થશે જેના થકી જાહેર આરોગ્યને સાચવવામાં વધુ સફળતા મળશે. સુરત ખાતેની આ નવીન લેબોરેટરી ટુંક સમયમાં નિર્માણ પામશે. વડોદરા ખાતે લોકાર્પણ થનાર લેબ 16000 ચો.મીટરથી વધુનો વિશાળ વિસ્તાર ધરાવતા દશમાળના અત્યાધુનિક બિલ્ડીંગમાં નિર્માણ પામેલ છે.

આ પ્રયોગશાળાના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1947માં વડોદરાના રજવાડાના સમયમાં ડ્રગ્સ લેબોરેટરી, વડોદરા તરીકે આ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ વડોદરાની આસપાસના જીલ્લામાં દવા ઉદ્યોગોને વિકાસ થતા વડોદરામાં જ નવી અદ્યતન પ્રયોગશાળા બનાવવાનું સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું. તા.22મી ફેબ્રુઆરી 1959ના રોજ જુના બિલ્ડીંગનો પાયો નંખાયો. ત્યારબાદ 1, નવેમ્બર 1961ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અહીં આવેલ જૂની બિલ્ડીંગ જે 1961માં નિર્માણ થયેલ ત્યારે પશ્ર્ચીમ ભારતની જે તે સમયની મોટામાં મોટી લેબ હતી. જેનો ભવ્ય ભૂતકાળ જોતા ભારત સરકારને વિવિધ ટેકનીકલ બાબતોમાં અને ચકાસણીની નવીન પદ્ધતિ વિકસીત કરવા માટે અમુલ્ય યોગદાન આપેલ હતું. વધુમાં તે સમયે બીજા અન્ય રાજયોના દવાના નમુનાનું ટેસ્ટીંગ પણ આ લેબમાં કરવામાં આવ્યું હતું.

પ્રવર્તમાન સમયમાં પણ આ પ્રયોગશાળામાં ગુજરાત રાજયના ખોરાક અને ઔષધના નમુના ઉપરાંત, ઝારખંડ રાજય, કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરાનગર હવેલી, વેસ્ટર્ન રેલ્વે તરફથી આવતાં ખાદ્ય પદાર્થના નમુના, પ્રોહીબીશન અને એકસાઈઝ ડિપાર્ટમેન્ટના નમુનાઓ, રાજયની હોસ્પિટલ સપ્લાયના ઔષધના નમુના, આઈસીડીએસ યોજના અંતર્ગત ખોરાકના નમુનાઓ પણ ચકાસવામાં આવે છે.


Related News

Advertisement
Advertisement