► સપ્ટેમ્બરમાં છ મહાપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય બાકીના અઢી વર્ષ માટે વિકાસકામો માટે અપાઈ શકે છે ‘ટાર્ગેટ’: સવારે 11 વાગ્યાથી બેઠકનો પ્રારંભ: બજેટમાં જે જે વિકાસકામોની જાહેરાત કરાઈ તેનું ‘સ્ટેટસ’ મંગાશે: લોકસભા ચૂંટણી જાહેર થાય તે પૂર્વે કામોનું લોકાર્પણ કરવા માટે થઈ શકે તાકિદ
રાજકોટ, તા.23 : લોકસભા ચૂંટણી આડે હજુ અંદાજે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે તે પહેલાં જ ભાજપ એક્શન મૉડમાં આવી ગયો છે અને અલગ-અલગ સ્તરે ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યો છે. દરમિયાન આવતીકાલે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના અધ્યક્ષસ્થાને રાજકોટ સહિત આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં આઠેય મહાપાલિકા હસ્તકના કયા કયા વિકાસકામો પેન્ડીંગ છે, એક વર્ષ દરમિયાન શું શું વિકાસકામ કરી શકાય
તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ બેઠકમાં રાજકોટના મેયર ડૉ.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ઉપરાંત પ્રદેશ સંગઠન પ્રભારી અને ત્રણેય મહામંત્રી હાજર રહેશે. આવી જ રીતે આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો પ્રમાણે આ બેઠકમાં આવતાં વર્ષે 30 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી શક્યતા હોવાને કારણે ત્યાં સુધીમાં પેન્ડીંગ રહેલા વિકાસકામો ઝડપથી પૂર્ણ કેવી રીતે કરી શકાય
તે મુદ્દે ચર્ચા કરવા ઉપરાંત બજેટમાં જે વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવી છે તે શરૂ થઈ ચૂક્યા છે કે કેમ અને જો ન થયા હોય તો તેને ઝડપથી શરૂ કરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની તાકિદ આપવામાં આવી શકે છે. આ બેઠકનો પ્રારંભ કાલે સવારે 11 વાગ્યાથી સુરતના ડુમ્મસ ખાતે આવેલી અવધ ટોપીયા હોટેલમાં થશે જેને સંબોધન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે. આ પછી દરેક મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા પેન્ડીંગ વિકાસકાર્યોનો હિસાબકિતાબ રજૂ કરવામાં આવશે. ચર્ચા તો એવી પણ છે કે આ બેઠક દરમિયાન પદાધિકારીઓને લક્ષ્યાંક પણ આપવામાં આવી શકે છે. બીજી બાજુ સપ્ટેમ્બર મહિનામાં છ મહાપાલિકાની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી હોય આ અઢી વર્ષ દરમિયાન કેટલા કેટલા વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા
અને હજુ કેટલા વિકાસકાર્યો બાકી છે તેનો હિસાબ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત બાકી રહેલી અઢી વર્ષની ટર્મ માટે મહાપાલિકા દ્વારા કેવા ઈરાદા જાહેર કરવામાં આવ્યા છે તે ઉપરાંત બજેટમાં જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે તે પ્રકારે વિકાસકાર્યો થઈ રહ્યા છે કે નહીં તે સહિતના મુદ્દા ચર્ચાના કેન્દ્રસ્થાને રહી શકે છે. એકંદરે આવતીકાલે સુરત ખાતે મળનારી બેઠકને લઈને આજે પદાધિકારીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને રાજકોટ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસકામોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ જાહેર કરાયેલા વિકાસકામોનું લોકાર્પણ થઈ જાય તેના ઉપર ભાર અપાઈ શકે છે.