♦ વોર્ડવાઇઝ હિસાબ લેતા પ્રદેશ પ્રમુખ : તમે જ જો કામ પુરૂ ન કરો તો બીજા પાસે કેમ અપેક્ષા રાખી શકો : સ્ટેજ પર ખુદ પાટીલ માઇક લઇને વોક એન્ડ ટોક કરતા હોય તે રીતે સંબોધન કર્યુ : કાર્યક્રમોમાં હવે તમામ નીચે બેસશે અને ફકત સંબોધન કરનાર જ મંચ પર હશે પ્રદેશ પ્રમુખે નવો આંચકો આપ્યો
રાજકોટ, તા. 23
ગુજરાતમાં આગામી દિવસોમાં આવી રહેલી લોકસભા ચૂંટણી પૂર્વે ફરી એક વખત પક્ષને દોડતો કરવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હવે ચીલો ચાતરીને પ્રથમ વખત ફકત પક્ષના અગ્રણીઓને જ નહીં પરંતુ જિલ્લા અને મહાનગરોના કારોબારી સભ્યો સહિતના તમામને ગાંધીનગરમાં કમલમમાં બોલાવી તેમને જે રીતે આગામી સમયના આયોજનોના પાઠ શીખડાવે છે તે જ પધ્ધતિમાં ગઇકાલે રાજકોટ શહેર ભાજપની કારોબારીના તમામ સભ્યોને કમલમ ખાતે બોલાવાયા હતા અને તેમાં અનેક નેતાઓનો પ્રદેશ પ્રમુખે કલાસ પણ લઇ લીધો હોવાની માહિતી બહાર આવી છે.
પાટીલે સૌપ્રથમ તો રાજકોટ શહેર ભાજપની ટીમ એક વાર પાવરહાઉસ ગણાતી હતી અને તે રાજયમાં નવા ‘પ્રયોગ’માં પણ સામેલ થઇ તેવું જણાવીને જે રીતે ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં નો-રીપીટ સહિતની થીયરી અપનાવાઇ તેનો આડકતરો ઉલ્લેખ કર્યો હતો બીજી તરફ પાટીલે રાજયમાં વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક નહીં આપણે 182 બેઠકનું લક્ષ્યાંક હતું તેમાં હું કોઇ ગુલબાંગ મારતો ન હતો તેવું કહીને વિધાનસભાની ચૂંટણીનું ગણીત પણ ફરી એક વખત કારોબારીના સભ્ય સમક્ષ જણાવતા કહ્યું કે આપણે 156 બેઠક જીત્યા અને 26 બેઠકોનું અંતર રહી ગયું જેમાં 20 બેઠક એવી હતી કે જયાં આપણે 500 થી 1000 મતે હાર્યા છીએ અને જો મહેનત થઇ હોત તો આ બેઠકો પણ આપણે જીતી હોત.
એટલું જ નહીં ત્રણ બેઠકો માટે આપણા ભાજપવાળા જ અપક્ષ તરીકે જીતા છે આમ 26માંથી 23 બેઠકો આપણે જીતી શકી હોત તો આપણે જીતી શકયા હોત અને 182થી દુર રહ્યા ન હોત આમ કહીને પાટીલે પેજ સમિતિની વ્યવસ્થા કામ કરી ગઇ હોવાનું જણાવીને હવે લોકસભા ચૂંટણીમાં પણ પેજ સમિતિનું ગણીત વધુ મજબુત કરીને તમામ 26 બેઠકોમાં કોંગ્રેસની ડિપોઝીટ જવી જોઇએ તેવું જણાવ્યું હતું તે સમયે પાટીલે પેજ સમિતિનો હિસાબ માંગ્યો અને તેમાં હિસાબ માંગયો હતો શહેર ભાજપના ટોચના નેતાના વોર્ડમાં જ પાટીલે પેજ સમિતિનું કામ અધુરૂ હોવાનું શોધી કાઢીને અનેક નેતાઓને ઉંઘતા ઝડપી લીધા હતા એટલું જ નહીં જો તમે શહેરના અગ્રણી થઇને કામ પુરૂ કરતા ન હોત તો બીજા પાસે કઇ રીતે કરાવી શકશો તે પૂછીને સોંપો પાડી દીધો હતો.
સ્ટેજ પર એકલા વકતા જ : પાટીલની ખાસ સૂચના
ગઇકાલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કંઇ જુદા મુડમાં હતા અને તેઓએ ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવાની સલાહ આપતા સમયે જણાવ્યું કે આપણી બેઠકોમાં સ્ટેજ પર બે-ત્રણ લાઇનો હોય છે જેમાં છેલ્લી લાઇન પર બેસવાવાળો કયારે બીજી લાઇનમાં અને બીજી લાઇનમાં બેસવાવાળો કયારે પહેલી લાઇનમાં મારો વારો આવશે તે સતત ચિંતા કરતા હોય છે.
જયારે નીચે બેસનાર કયારે મારો વારો સ્ટેજ પર આવશે તેની રાહ જોતા હોય છે પણ પાટીલે હવે તમામ માટે એક નવો નિયમ બનાવતા કહ્યું કે પક્ષના કાર્યક્રમમાં હવે સ્ટેજ પર ફકત બોલવાનો વારો જેનો હશે તે જ હશે ખુદ પાટીલે ગઇકાલે સ્ટેજ પર પોતે એકલા અને તે પણ ખુરશીમાં બેઠા વગર માઇક લઇને ફરતા રહ્યા હતા અને સમગ્ર સ્ટેજમાં તેઓએ વોક એન્ડ ટોક જેવું સંબોધન કર્યુ હતું અને કહ્યું હતું કે પક્ષના કાર્યક્રમમાં તે જ પધ્ધતિ અપનાવવામાં આવશે. આમ ગઇકાલની બેઠક રાજકોટ શહેર ભાજપ માટે ખુબ જ બોધપાઠ જેવી બની ગઇ હતી.