મુંબઇ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એશિયાના બીજા સૌથી મોટા ધનિક બન્યા છે. હિંડનબર્ગના રિપોર્ટના ઝટકાથી તેઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને અદાણી ગ્રુપના શેરોમાં તેજી પણ જોવા મળી રહી છે. મુકેશ અંબાણી નંબર વન પર છે. ઝોંગ શાનશાનને હરાવીને અદાણીએ ફરી આ સ્થિતિ હાંસલ કરી છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્ષમાં અદાણી હવે 23 સ્થાનથી 18માં સ્થાને પહોંચી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી અદાણી ગ્રુપના શેરમાં થયેલા વધારાને કારણે તેમની સંપત્તિ હવે વધીને 64.2 બિલિયન ડોલર થઈ ગઈ છે. મંગળવારે તેમની કુલ સંપત્તિમાં 4.38 બિલિયન ડોલરનો વધારો થયો હતો. ચીનના ઝોંગ શાનશાન હવે 62.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 19મા ક્રમે છે. એશિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ વિશ્વના અમીરોની યાદીમાં 13મા સ્થાને છે.
તેમની પાસે 84.1 બિલિયન ડોલરની સંપત્તિ છે. વિશ્વના અમીરોની યાદીમાં પ્રથમ નંબર પર બિરાજમાન બર્નાર્ડ આર્નોલ્ટને એક જ દિવસમાં 11.2 અબજ ડોલરનો આંચકો લાગ્યો છે. હવે તેમની સંપત્તિ 200 અબજ ડોલરથી ઘટીને 192 અબજ ડોલર થઈ ગઈ છે. એલોન મસ્કે પણ ગઈકાલે 2.22 બિલિયન ગુમાવ્યા હતા. તેમની પાસે હવે 180 બિલિયનની સંપત્તિ છે. જેફ બેઝોસ પાસે 139 બિલિયનની સંપત્તિ છે અને તેઓ ત્રીજા સ્થાને છે.