સુરત: સુરત શહેરના આંગણે પધારી રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના દિવ્ય પ્રવચન માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ શહેરના એક કાપડ વેપારી દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચાંદીની ગદાની અનોખી ભેંટ આપવામાં આવશે.
26મીથી બે દિવસીય સુરત ખાતે યોજાનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના બે દિવસીય દિવ્ય પ્રવચન દરમ્યાન આ ભેટ તેઓને આપવામાં આવશે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આગામી 26મી અને 27મીના રોજ બે દિવસીય બાગેશ્વર ધામના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ માટે બે ધારાસભ્યો સહિતની એક કમીટીની રચના કરવામાં આવી છે. બે લાખથી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થાથી માંડીને નિ:શુલ્ક પાર્કીંગ માટેની કવાયત હાથ ધરાઈ છે. જો કે, બીજી તરફ શહેરના નેતાઓ જ નહીં
વેપારીઓથી માંડીને ઉદ્યોગપતિઓ પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસરે શહેરના કાપડ વેપારી સાંવરલાલ બુધિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને યાદગાર ભેટ આપવા માટે 1.25 લાખ રૂપિયાની 100 ગ્રામ ચાંદીની ગદા તૈયાર કરાવી છે. આ અંગે તેમણે કહ્યું કે, પાંચ કારીગરોએ 20 દિવસની મહેનત બાદ આ ગદા તૈયાર કરી છે. હનુમાનજીના પ્રતિક સમાન આ ચાંદીની ગદા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.