જસદણના કાળાસર પાસે મળેલ હાડપિંજર 25થી 30 વર્ષના યુવાનનો હોવાનું અનુમાન, 15 દિવસ પહેલા હત્યા થયાનો અંદાજ

24 May 2023 12:31 PM
Jasdan
  • જસદણના કાળાસર પાસે મળેલ હાડપિંજર 25થી 30 વર્ષના યુવાનનો હોવાનું અનુમાન, 15 દિવસ પહેલા હત્યા થયાનો અંદાજ

♦ જસદણ પોલીસ અને રૂરલ એસઓજી તપાસમાં લાગી, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓનું લિસ્ટ મંગાવાયું

♦ હત્યા કોઈ અન્ય જગ્યાએ કરી અર્ધી લાશ પશુ આહારના કોથળામાં વિટી અજાણ્યા આરોપીઓ નાખી ગયા હોવાની શક્યતાએ તપાસ : સીસીટીવી અને હાલમાં જ ખેતરોમાંથી કામ છોડી વતન ચાલ્યા ગયા હોય તેવા મજૂરોની તપાસ થશે

રાજકોટ, તા.24
જસદણના કાળાસર પાસે મળેલ હાડપિંજર 25થી 30 વર્ષના યુવાનનો હોવાનું અનુમાન છે. 15 દિવસ પહેલા હત્યા થયાનો અંદાજ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ મોકલાયો હતો. આ અંગે જસદણ પોલીસ અને રૂરલ એસઓજીની ટીમો તપાસમાં લાગી છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓનું લિસ્ટ મંગાવાયું છે. હત્યા કોઈ અન્ય જગ્યાએ કરી અર્ધી લાશ પશુ આહારના કોથળામાં વિટી અજાણ્યા આરોપીઓ નાખી ગયા હોવાની શક્યતાએ તપાસ થઈ રહી છે. સીસીટીવી અને હાલમાં જ ખેતરોમાંથી કામ છોડી વતન ચાલ્યા ગયા હોય તેવા મજૂરોની તપાસ થશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જસદણથી કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમાં ખાળીયામાં જીવાતોથી ખદબદતી અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. જસદણ પોલીસે લાશને ફોરેન્સીક પી.એમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જસદણના ખાંડા હડમતીયા ગામના કેશુભાઈ પોપટભાઈ બાવળીયાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જાણ કરીને હતી કે અહીં લાશ પડી છે. પીઆઈ ટી.બી. જાની સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર જઈ તપાસ કરતા લાશ એક પશુ આહારના કોથળામાં હતી.

હાડપિંજર બની ગયેલ મૃતદેહ પર બ્લ્યુ કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ પહેરેલ હતું. લાશ શ્વાન જેવા પશુ અને જીવાતો ખાઈ ગઈ હતી. જેથી ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. ફોરેન્સિક પીએમમાં જાણવા મળેલ કે, મૃતકની ઉપર આશરે 25થી 30 વર્ષ હોય શકે છે. ઉપરાંત 15 દિવસ પહેલા જ તેની હત્યા થઈ હોય શકે છે. જસદણ પોલીસ સાથે એસઓજીની ટીમે પણ. તપાસમાં જંપલાવ્યું છે.

હાલ આસપાસ કોઈ સીસીટીવી હોય તો તે અને આસપાસની વાડીમાં કામ કરતા મજૂરો જે તાજેતરમાં જ વતન ગયા હોય તે અંગે તપાસ થઈ રહી છે. બીજી એક પોલીસ ટુકડી આસપાસના જિલ્લામાંથી ગુમ થયેલ વ્યક્તિઓ અંગે વિગતો મેળવી રહી છે. આમ પોલીસે તમામ તરફે ઝડપી તપાસ આદરી છે. પીઆઈ ટી.બી. જાનીના જણાવ્યા મુજબ હાલના તબક્કે મૃતકની ઓળખ થાય તે માટે તપાસના ચક્રો ગતિમાન છે.


Advertisement
Advertisement