વડોદરા, તા. 24
હાલ સોશ્યલ મીડિયાનો જમાનો છે. માત્ર યુવાનો જ નહીં પરંતુ નાના બાળકોને પણ સોશ્યલ મીડિયાનું ઘેલુ લાગ્યું છે પરંતુ સોશ્યલ મીડિયા જોવાના ચકકરમાં બાળકો સૌથી વધુ મોબાઇલ સ્ક્રીન સાથે સમય વિતાવી રહ્યા છે. જે ચિંતાનો વિષય બન્યો છે. મોબાઇલ સ્ક્રીન વધવાથી બાળકોની માનસિકતા પર મોટી અસર પડી છે.
તાજેતરમાં એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટીસ્ટિકસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક સ્ટડી કરવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો કે નવી પેઢી દરરોજ અંદાજે 3 કલાક માત્ર ફ્રી વિડીયો-શેરીંગ એપ્સ સહિત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શોર્ટ વિડીયો જોવામાં વિતાવે છે. વિદ્યાર્થીઓ 60 સેકન્ડની રીલ્સ અથવા 15 સેકન્ડની કિલપ્સ જોવા માટે સ્માર્ટ ફોન પર ટોટલ સ્ક્રીન સમયના પાંચ કલાકમાંથી 60 ટકા વિતાવે છે. દરેક રીલ અંદાજે 15 સેકન્ડની હોય છે.
વિદ્યાર્થીઓ નિયમિત 1.5 કલાકથી 2 કલાકના સમયમાં આશરે 360 થી 480 રીલ્સ જુએ છે. તમામ પ્લેટફોર્મ પર અમર્યાદિત સ્ક્રોલીંગ અને ઓટોપ્લે જેવા ફીચર્સના કારણે કન્ટેન્ટના ઉપયોગનો સરળ બનાવે છે. અને યુઝર્સ લાંબા સમય સુધી તેમાં વળગેલા રહે છે. આ વલણના કારણે તેમની એકાગ્રતાને નુકસાન થાય છે. ધ્યાનના સમયમાં ઘટાડો કરે છે તેમની ઓવરઓલ હેલ્થને નુકસાન પહોંચાડે છે.
અહીં જાણવા જેવી વાત એ છે કે, 65 ટકા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી વિડીયો જોયા બાદ દોષભાવ અને ઉદાસીનતા અનુભવે છે. દરેક વિડીયો મગજના ડોપામાઇન રિલીઝ કરે છે. જે વ્યકિતને ડ્રગ જેવા એડકટીવ બનાવે છે. 40 ટકા છોકરીઓની સરખામણીમાં 60 ટકા છોકરાઓ લાંબા સમય સુધી જુએ છે. જેનો સમયગાળો અંદાજે 2 થી 3 કલાકનો હોય છે. વધુ પડતા વિડીયો જોવાથી નકારાત્મક લાગણીઓ ફરી વળે છે.
75 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યુ કે, તેઓ પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય પસાર કરે છે. 65 ટકા વિદ્યાર્થીઓમાં ફિઝીકલ એકટીવીટીમાં ઘટાડો થયો. મોબાઇલ સ્ક્રીનમાંથી આવતી બ્લુ લાઇટ વિદ્યાર્થીઓની ઉંઘની ગુણવતા માટે હાનિકારક સાબિત થઇ છે. અપૂરતી ઉંઘ, એકાગ્રતામાં ઘટાડો કરે છે જે તેમના શૈક્ષણિક પર્ફોમન્સ પર અસર કરે છે.