► પ્રક્રિયા પૂર્ણ: ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, શેલ્ડન જેક્શન, અર્પિત વસાવડા, સમર્થ વ્યાસ, તરંગ ગોહેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર: આઈપીએલ બાદ ક્રિકેટરસિકોને માણવા મળશે વધુ એક ‘હાઈપ્રોફાઈલ’ ટૂર્નામેન્ટ
► એસપીએલે સૌરાષ્ટ્રના ખેલાડીઓને વિશ્ર્વમાં પોતાની ક્રિકેટ ક્ષમતાને પૂરવાર કરવાની તક આપી છે: નિરંજનભાઈ શાહ
બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટની રમત માટે કટિબદ્ધ છે અને વિવિધ ક્રિકેટ પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ એ એક એવું પ્લેટફોર્મ છે જે સૌથી વધુ લોકપ્રિય બનતું જાય છે. ટી-20 ફોર્મેટ માટે ખેલાડીઓને તમામ પ્રકારનો અનુભવ આ ટૂર્નામેન્ટ પૂરો પાડી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ થકી સૌરાષ્ટ્રના ખેલાડીઓને વિશ્ર્વમાં પોતાની ક્રિકેટ ક્ષમતાને પૂરવાર કરવાની તક આપી છે. અત્યંત પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં મેળવેલી જીત આ વાતનો સચોટ પૂરાવો છે.
► સૌરાષ્ટ્રમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવાનું કામ એસપીએલે કર્યું છે: ટૂર્નામેન્ટની લોકપ્રિયતામાં થઈ રહેલો વધારો: જયદેવભાઈ શાહ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ-3ની જાહેરાત દરમિયાન પોતાના સંબોધનમાં જણાવ્યું કે એસપીએલએ દેશભરમાં ખૂબ જ લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ પૈકીની એક છે. સૌરાષ્ટ્રમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભાઓને બહાર લાવવાનું કામ આ ટૂર્નામેન્ટે કર્યું છે અને તેની લોકપ્રિયતામાં પણ કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. હું ગર્વ સાથે કહી શકું કે એસપીએલએ સૌરાષ્ટ્રના ક્રિકેટરોને ખૂબ જ ઉમદા અનુભવ આપ્યો છે અને આપણા ઘણા ખેલાડીઓ આઈપીએલમાં પસંદગી પામ્યા છે. સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફી, વિજય હઝશરે ટ્રોફી અને અન્ડર-25 ટ્રોફી જીતી છે જેની સફળતા પાછળ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો સિંહફાળો રહેલો છે.
► પાંચેય ટીમો વચ્ચે સ્પર્ધાત્મક ક્રિકેટ રમાય તે પ્રમાણે ટીમની પસંદગી કરવા બદલ પસંદગીકારોને અભિનંદન: કરણભાઈ શાહ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કરણભાઈ શાહે જણાવ્યું કે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ એ ભારતમાં રમાતી શ્રેષ્ઠ ટી-20 ટૂર્નામેન્ટ પૈકીની એક છે. આજે ખેલાડીઓની ડ્રાફ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને તેમાં પાંચેય ટીમો વચ્ચે એકદમ સ્પર્ધાત્મક ક્રિકેટ રમાય તેને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો પ્રારંભ 15 જૂનથી થો. આ તકે હું પસંદગીકારો, તમામ ટીમના કોચ, સપોર્ટિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ અને શ્રી મનન વકીલનો આભાર વ્યક્ત કરું છું જેમણે સરળતાથી અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ડ્રાફ્ટીંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આવનારા સમયમાં આપણે બધા ક્રિકેટની ખૂબ જ સારી ગુણવત્તાના સાક્ષી બનશું.
► જિયો સિનેમા ઉપર ટૂર્નામેન્ટનું થશે લાઈવ પ્રસારણ : ચારુ શર્મા-પ્રજ્ઞાન ઓઝા-શબા કરીમ સહિતના દિગ્ગજો આપશે કોમેન્ટરી
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની ત્રીજી સીઝનનો પ્રારંભ 15 જૂનથી થઈ રહ્યો છે ત્યારે આ ટૂર્નામેન્ટની તમામ મેચનું લાઈવ પ્રસારણ જિયો સિનેમા ઉપરથી કરવામાં આવશે. આ ઉપરાંત ટૂર્નામેન્ટ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો ચારુ શર્મા, પ્રજ્ઞાન ઓઝા, શબા કરીમ સહિતના કોમેન્ટરી આપશે.
► હાલાર હિરોઝ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની 2022માં રમાયેલી બીજી સીઝનમાં અર્પિત વસાવડાની આગેવાનીવાળી હાલાર હિરોઝ ચેમ્પિયન બની હતી ત્યારે આ વખતની સીઝનમાં તે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. આ ટીમના માલિક પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અજય જાડેજા છે જ્યારે ટીમના કોચ તરીકે પારસ ત્રિવેદી જવાબદારી સંભાળી રહ્યા છે.
► જયદેવ ઉનડકટ-રવીન્દ્ર જાડેજા-ચેતેશ્ર્વર પુજારાના રમવા અંગે ટૂંક સમયમાં કરાશે જાહેરાત
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં આમ તો અનેક સ્ટાર ખેલાડીઓ રમવાના છે ત્યારે જયદેવ ઉનડકટ, રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્ર્વર પુજારા આ ટૂર્નામેન્ટમાં રમશે કે કેમ તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અત્યારે આ ત્રણેય ખેલાડીઓ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ભાગ લેનારી ટીમ ઈન્ડિયામાં પસંદગી પામ્યા છે. ફાઈનલ મુકાબલો 11 જૂને પૂર્ણ થયા બાદ આ ત્રણેયનો ફિટનેસના આધારે રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજકોટ, તા.24
સૌરાષ્ટ્ર સહિત દેશભરના ક્રિકેટરસિકો અત્યારે આઈપીએલની કાંટે કી ટક્કર સમી પ્લેઑફની મેચો માણવામાં વ્યસ્ત છે. જો કે આઈપીએલ પૂર્ણ થયા બાદ તેની તર્જ ઉપર જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ટૂર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી છે.
આ ટૂર્નામેન્ટની ત્રીજી સીઝનનો પ્રારંભ 15 જૂનથી થશે જે 24 જૂન સુધી રમાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂર્નામેન્ટમાં પાંચ ટીમો વચ્ચે 11 મુકાબલા રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે આજે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ડ્રાફ્ટ પ્રક્રિયા કરવામાં આવી હતી જે પ્રમાણે દરેક ટીમમાં 18-18 ખેલાડીઓ સમાવવામાં આવ્યા છે.
આ ટૂર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લેશે જેમાં સોરઠ લાયન્સ, હાલાર હિરોઝ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને ઝાલાવાડ રોયલ્સનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટમાં કુલ 11 મુકાબલા રમાશે જેનો ફાઈનલ 24 જૂને રમાશે. આજે થયેલી ડ્રાફ્ટ પ્રક્રિયાનું સંચાલન જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનન વકીલ (નૌતમ આર. વકીલ એન્ડ કું. અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું પ્રસારણ યુ-ટયુબ ઉપર કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં ખાસ કરીને ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ, અર્પિત વસાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તરંગ ગોહેલ, સમર્થ વ્યાસ સહિતના ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની આ ત્રીજી સીઝન છે. પાછલી બન્ને સીઝન સુપરહિટ નિવડી હતી અને આ ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શન થકી અનેક ખેલાડીઓ રણજી ટ્રોફી ઉપરાંત આઈપીએલ સહિતની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પસંદગી પણ પામ્યા છે.