♦ લખનૌએ અંતિમ આઠ વિકેટ માત્ર 32 રનમાં ગુમાવી, ત્રણ ખેલાડીઓનું રનઆઉટ થવું હારનું મુખ્ય કારણ
ચેન્નાઈ, તા.25
આકાશ મધવાલ (5/5)ના કરિયરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટસને 81 રને પરાજિત કર્યું છે સાથે જ આ સીઝનમાં સૌથી મોટી જીત પણ મેળવી છે. જીત મળવાને કારણે રોહિત શર્માની ટીમે ફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. હવે તે આવતીકાલે અમદાવાદમાં ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત સામે ટકરાશે. આ મેચમાં જીતનારી ટીમ રવિવારે ફાઈનલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે રમશે. આવું સળંગ બીજી વખત બન્યું છે જ્યારે લખનૌ ટીમ એલિમિનેટર પાર કરી શકી નથી.
આ મેચમાં મુંબઈએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 16.3 ઓવરમાં 101 રને જ ઢેર થઈ ગઈ હતી. આટલી મહત્ત્વની મેચમાં લખનૌના ત્રણ ખેલાડી રનઆઉટ થઈ જતાં તે તેની હારનું મુખ્ય કારણ રહ્યું હતું.
લખનૌની શરૂઆત એકદમ ખરાબ રહી હતી અને તેણે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવ્યે રાખી હતી. માર્કસ સ્ટોઈનિસ (40 રન)ને બાદ કરતાં તેના માત્ર બે જ બેટર દીપક હુડ્ડા (15 રન) અને કાઈલ મેયર્સ (18 રન) જ બે આંકના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. ટીમે પોતાની અંતિમ આઠ વિકેટ માત્ર 32 રનમાં ગુમાવી દીધી હતી.
મુંબઈ માટે 25 વર્ષીય આકાશ મધવાલ ‘ટ્રમ્પ કાર્ડ’ સાબિત થયો હતો. આ બોલરે માત્ર 21 બોલમાં માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ ખેડવી નાખી હતી. આ પ્લેઑફમાં કોઈ પણ બોલર દ્વારા અપાયેલું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પહેલાં કેમરુન ગ્રીને 41 રનની ઈનિંગ રમવા ઉપરાંત સૂર્યકુમાર યાદવ (33 રન) સાથે ત્રીજી વિકેટ માટે 38 બોલમાં 66 રનની ભાગીદારી કરી હતી. નીચલા ક્રમે તીલક વર્મા (26 રન) અને નિહાલ વઢેરા (23 રન)એ ઉપયોગી ઈનિંગ રમી હતી જેના કારણે મુંબઈની ટીમ 180ને પાર પહોંચવામાં સફળ રહી હતી. લખનૌ વતી નવીન ઉલ હક્કે ચાર અને યશ ઠાકુરે ત્રણ વિકેટ ખેડવી હતી.
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ તે 11 રનના વ્યક્તિગત સ્કોરે નવીનના બોલ પર એકસ્ટ્રા કવર પર આયુષ બદોનીને કેચ આપી બેઠો હતો. ઈશાન કિશન (15 રન) પણ વધુ સમય સુધી ટકી શક્યો ન્હોતો અને યશ ઠાકુરને પોતાની વિકેટ આપી દીધી હતી.
મુંબઈના ખેલાડીઓએ લીધો કોહલીનો બદલો: નવીન ઉલ હક્કની કરી ગજબ બેઈજ્જતી
લખનૌનો ફાસ્ટ બોલર નવીન ઉલ હક્ક અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. મુંબઈ સામે મળેલી હાર બાદ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લીગ સ્ટેજમાં કોહલી સાથે બાખડ્યા બાદ નવીનને આડે હાથ ધલેવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલાં બેંગ્લોર જ્યારે હાર્યું ત્યારે તેણે મેંગો (કેરી) બતાવીને વિરાટ કોહલીની સાથે સાથે બેંગ્લોરને ટ્રોલ કર્યા હતા. હવે મુંબઈના ખેલાડીઓએ લખનૌને હરાવ્યા બાદ નવીનનો વારો કાઢવાનું શર્યું છે. મુંબઈના ખેલાડીએ નવીન માટે એક પોસ્ટ પણ શેયર કરી છે.
આ તસવીરમાં સંદીપ અને વિષ્ણુ સાથે કુમાર કાર્તિકેય પણ જોવા મળી રહ્યો છે. ત્રણેય ખેલાડી ટેબલ પર બેઠા હતા. સંદીપે પોતાની આંખ, કાર્તિકેયે મોઢા ઉપર અને વિષ્ણુ વિનોદે પોતાના કાન પર હાથ રાખ્યો હતો. ટેબલની વચ્ચોવચ્ચ કેરી રાખવામાં આવી હતી. આ પોસ્ટના કેપ્શનમાં લખાયું હતું કે સ્વીટ સિઝન ઑફ મેંગો મતલબ કે કેરીની મીઠી મોસમ...
આકાશ મધવાલનું ઐતિહાસિક પ્રદર્શન: બનાવ્યા પાંચ રેકોર્ડ
મુંબઈ વતી લખનૌ સામે એલિમિનેટર મુકાબલામાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર આકાશ મધવાલે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મુંબઈએ બનાવેલા 182 રનના જવાબમાં લખનૌ 101 રને ઢેર થઈ ગઈ હતી. આ સાથે જ આઈપીએલના પ્લેઑફમાં કોઈ પણ ટીમ દ્વારા રનોના અંતરથી ત્રીજી મોટી જીત છે. આ સાથે જ આકાશ પ્લેઑફમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. 15 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બોલરે નોકઆઉટ મેચમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ મેળવી નથી. જ્યારે ભારતીય બોલર દ્વારા આઈપીએલમાં આ બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ પહેલાં અનિલ કુંબલેએ 2009માં પાંચ રન આપીને પાંચ વિકેટ મેળવી હતી. આકાશ સળંગ બે મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. આકાશે એલિમિનેટર મુકાબલા પહેલાં હૈદરાબાદ સામે ચાર વિકેટ મેળવી હતી. આ પહેલાં દસ બોલર એવા રહ્યા જેણે સળંગ બે મુકાબલામાં આઠ-આઠ વિકેટ ખેડવી હતી. જ્યારે સળંગ બે મેચમાં ચાર કે તેથી વધુ વિકેટ લેનારો આકાશ કુલ છઠ્ઠો અને ભારતનો ચોથો બોલર બન્યો છે. તેના પહેલાં આ કારનામું 2009માં શાદાબ જકાતી, 2012માં મુનાફ પટેલ, 2018માં એન્ડ્રુ ટાય, 2002માં કગિસો રબાડા અને 2023માં યુઝવેન્દ્ર ચહલ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ચેપોકના ગ્રાઉન્ડ પર મધવાલે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
મારા કારણે જ ટીમનો પરાજય થયો છે: હું જ હાર માટે જવાબદાર: કૃણાલ પંડ્યા
લખનૌ સુપરજાયન્ટસના કેપ્ટન કૃણાલ પંડ્યાએ હારની જવાબદારી પોતે લીધી છે. કૃણાલ પંડ્યાએ કહ્યું કે અમે સારી સ્થિતિમાં હતા. બધું ત્યારે શરૂ થયું જ્યારે મેં એ શૉટ રમ્યો હતો અને ત્યાંથી જ ભૂલ શરૂ થઈ હતી. હું સંપૂર્ણપણે હારની જવાબદારી લઉં છું. વિકેટ બદલી ન્હોતી એટલા માટે અમારે તેના પર સારી બેટિંગ જ કરવાની હતી. અમે પાવરપ્લેમાં ઓછા રન બનાવ્યા. ડિકોકને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવો સરળ ફેંસલો ન્હોતો. જો કે કાઈલ મેયર્સનો રેકોર્ડ ચેપોકમાં સારો હતો.
અમે સુપરસ્ટાર ખરીદતાં નથી, બનાવીએ છીએ: હાર્દિકને રોહિતનો જવાબ
ભૂતકાળમાં મુંબઈ વતી જ રમનારા હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચે તીખા તમતમતા સવાલ-જવબનો સિલસિલો શરૂ થયો છે. થોડા સમય પહેલાં હાર્દિક પંડ્યાએ એમ કહ્યું હતું કે મુંબઈની ટીમનો લક્ષ્યાંક રહે છે કે સારામાં સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવે જ્યારે ચેન્નાઈ પોતાના દરેક ખેલાડીનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે અને તેનું શ્રેષ્ઠ બહાર લાવે છે. હવે રોહિતે આ વાતનો જવાબ આપતાં કહ્યું કે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા સહિતના અનેક ખેલાડીઓની જે કહાની રહી છે તે એક-બે વર્ષ બાદ તીલક વર્મા અને નેહલ વઢેરાની પણ હશે પછી લોકો કહેશે કે આ તો સુપરસ્ટાર્સની ટીમ છે. યાર...અમે અહીં સુપરસ્ટાર બનાવીએ છીએ, ખરીદતાં નથી.